Close
સુરતમાં બ્રાન્ડીંગ કન્સલ્ટન્સી સેવાઓ

લોક-ડાઉનમાં આપણી આસપાસ મોજુદ કુદરતની કરામતોને અન-લોક કરીએ

આપણે બહારગામ ફરવા માટે કોઇ કુદરતી સૌંદર્યસભર જગ્યાએ જઇએ તો ત્યાં આપણને શાંત સવારે વિવિધ પ્રકારના પક્ષીઓના મધુર અવાજો સાંભળવા મળે છે.

અમુક બીચની જગ્યાઓ કે હીલ સ્ટેશનો પર રમણીય સન-રાઇઝ કે સન-સેટ રચાતું હોય છે અને એને જોવા માટે ટૂરિસ્ટો ખાસ પ્રોગ્રામ બનાવીને ત્યાં એ સમયે અચૂક પહોંચે છે અને સૂર્યોદય કે સૂર્યાસ્તની એ ક્ષણના સાક્ષી બનવાનો લહાવો લઇને પોતાની ટૂર સફળ થયાનો સંતોષ પણ અનુભવે છે.

આજકાલ તમે નોંધ કર્યું હશે, તમારા ઘરની આજુબાજુ પણ સવારના વિવિધ પ્રકારના પક્ષીઓના અવાજો સાંભળવા મળે છે. કયાંક ચકલીઓ ચીં-ચીં કરે છે, ક્યાંક કબૂતરોનું ઘૂ-ઘૂ તો ક્યાંક કોયલનો ટહૂકો સંભળાય છે. કશેક કાગડાઓની જનરલ બોડી મીટિંગ મળી હોય, એવો કેકારવ સંભળાય છે, તો ક્યારેક કલરફૂલ પોપટનો અવાજ પણ મહેસૂસ થાય છે.

આ બધા પક્ષીઓ ક્યાંથી આવી ગયા?
ટ્રેન-બસ-ફ્લાઇટ બંધ હોવાને કારણે આપણે બહારગામ ન જઇ શક્યા એટલે તેઓ અહીં આપણી પાસે સામેથી આવી ગયા?

ના.

આ બધા જ પક્ષીઓ આપણી આજુબાજુ દરરોજ પોતાના એ જ અવાજો કરતાં કરતાં કુદરતની કરામતના એક અવિભાજ્ય અંગરૂપે પોતાની હાજરી પૂરાવે જ છે. જે અવાજો આપણને પર્યટનના સ્થળોએ જ સંભળાતા હોય, એ તમામ અવાજો આપણી આજુબાજુ પણ દરરોજ સંભળાતા જ હોય છે. ટૂરિસ્ટ તરીકે જે અવાજો સાંભળવા આપણે આતુર હોઇએ છીએ, એ જ અવાજો આપણે અહીં સાંભળતા નથી હોતા. આપણી વ્યસ્તતાના કોલાહલમાં પક્ષીઓનો નેચરલ કલરવ દબાઇ જાય છે. ટી.વી., ફોન, વોટ્સએપ અને બીજા કૃત્રિમ અવાજોની માર્કેટમાં કુદરતી અવાજોનું કોઇ લેવાલ નથી હોતું.

આજકાલ આપણી પાસે થોડોક સમય છે, એટલે હવે આપણું ધ્યાન એમના પર જાય છે. આજે હવે એ બધા જ અવાજો આપણને ઘેરબેઠાં પણ સંભળાય છે.

એ જ રીતે થોડુંક ધ્યાનથી જોઇશું તો આપણા ઘરની બારીમાંથી કે આપણી બિલ્ડીંગની અગાશીમાંથી દેખાતો સૂર્યોદય કે સૂર્યાસ્ત પણ એટલો જ ભવ્ય હોય છે, જેટલો આપણે ટૂરિસ્ટ સ્થળોએ શોધવા જતા હોઇએ છીએ. અહીં પણ એ જ સૂરજ અને એ જ ક્ષિતિજ અને એ જ ભવ્યતા હોય છે, માત્ર આપણી આંખોમાં એને જોવાની ઇચ્છા નથી હોતી.

આપણી આસપાસ જ કુદરતની એ બધી જ કરામતો મોજુદ છે. આપણી વ્યસ્તતાની ભીડભાડમાં કુદરત બેક-સીટ પર જતી રહી હતી. હમણાં લોક-ડાઉનના સમયમાં કૃત્રિમ અવાજોને પણ લોક કરીને કુદરતના અન્ય સર્જનોના કલરવ અને કુદરતનું એ સૌંદર્ય અન-લોક કરીએ, જેની તરફ ધ્યાન આપવાનો સમય આપણી પાસે અત્યાર સુધી નહોતો.

વધુ માહિતી માટે અહીં ક્લીક કરો: https://bit.ly/3s6uT8F

Leave a Reply