Close
સુરતમાં મેનેજમેન્ટ કન્સલ્ટન્સી સેવાઓ

સતત સંપર્કની સાઇડ-ઇફેક્ટ્સ કેવી રીતે અટકાવવી? (ભાગ-1)

લોક-ડાઉનની આ અભૂતપૂર્વ પરિસ્થિતિએ આપણને બધાને અલગ જ પ્રકારના સંજોગોમાં મૂકી દીધા છે. આપણા જીવનની એક કસોટી સમાન આ સમય છે, અને દુર્ભાગ્યે જગતમાં કોઇ પણ આવી પરિસ્થિતિમાંથી અગાઉ પસાર થયું નથી, એટલે એમાંથી કેવી રીતે હેમખેમ બહાર નીકળવું એનું માર્ગદર્શન પણ ક્યાંય ઉપલબ્ધ નથી.
આપણા ધંધા-નોકરીમાં શું કરવું કે ન કરવું એવી અપાર મૂંઝવણો તો છે જ, પણ એની સાથે સાથે આપણા ઘરની અંદર ચાર-દિવાલોમાં 24 કલાક ફરજિયાત પૂરાઇ રહેવાની વાત પણ અનેક અલગ પ્રકારની મૂંઝવણભરી પરિસ્થિતિઓ ઊભી કરે છે, જેમાંથી આપણે કે આપણા પરિવારજનો અગાઉ કદી પણ પસાર થયા નથી.
આપણા પરિવારજનો સાથે ચોવીસે કલાકનો સતત સંપર્ક દિવસો સુધી રાખવાની આપણને આદત નથી હોતી. આ સતત સંપર્કથી પણ અમુક સમસ્યાઓ થાય, ગેરસમજો થાય, નાની-મોટી તકરારો થાય એ શક્ય છે.
આપણે બધાંએ એ અનુભવ્યું છે કે સાથે જીવવું શક્ય છે, પરંતુ સતત સાથે રહેવું સહેલું નથી. સતત સંપર્કની આડઅસરથી બચવું અઘરું છે. પરંતુ સહજીવનની આ યાત્રામાં આ નવા પ્રકારની ચેલેન્જમાંથી આપણે સૌએ હેમખેમ પસાર થવાની જરૂર છે. એવું કરીશું તો જ એકબીજા સાથેની આપણી સંબંધયાત્રા અવિરત ટકી રહેશે.
આપણી બધાની હાલત અત્યારે બીગ-બોસ નામના રીયાલિટી શોમાં ભાગ લેતા સેલિબ્રિટી-કલાકારો જેવી છે. જો તમે એ શો ના અમુક એપીસોડ પણ જોયા હોય, તો તમને ખબર હશે, કે દર વર્ષે શો શરુ થયાના 2-3 દિવસોમાં જ બીગ-બોસના એ ઘરમાં રહેતા રહેવાસીઓની વચ્ચે મગજમારી, ઝઘડા, માથાકૂટો થવા માંડે છે, અને આ બધું જ ધીરે ધીરે વકરતું જ જાય છે, જે શો પૂરો થવા સુધી ચરમસીમાએ પહોંચે છે.
ધ્યાન નહીં રાખીએ, તો આપણી પરિસ્થિતિ પણ આવી જ થઇ શકે છે. બીગ-બોસવાળા તો જેની પાસે કામ ન હોય એવા સેકન્ડ-ગ્રેડ સેલિબ્રિટીઓને ઘરમાં રાખીને એમની વચ્ચે થતી આવી તકરારો પબ્લિકને બતાવીને પોતાના પ્રોગ્રામ અને ચેનલની પ્રસિદ્ધિ વધારવાની કોશિશ કરે છે. એ ઝઘડાઓથી તો લોકોને મનોરંજન મળે છે. પણ આપણી વચ્ચેની તકરારો જોવામાં કોઇને રસ નથી હોતો, માત્ર આપણા બધાના મૂડ જ એનાથી ખરાબ થતા હોય છે. આવી તકરારોથી આપણા સંબંધોમાં માત્ર તીરાડો જ પડતી હોય છે.
માટે, આગામી બે-ત્રણ અઠવાડિયાઓ જ્યારે તમારા ઘરમાં તમારે ફેમિલી મેમ્બરો સાથે સતત સંપર્કમાં રહેવાનું છે, ત્યારે એમાં ઊભી થતી તકરારો અને એને કારણે થતી તકલિફો કેવી રીતે ઘટાડશો એના પર ધ્યાન આપો.
આપણે એ વિશે અમુક સૂચનો જોઇશું.

 

એકબીજાને થોડી સ્પેસ આપો

આપણા રોજિંદા જીવનમાં ઘરના અમુક સભ્યો કામના સંદર્ભે બહાર જતા હોય, એટલે સતત સંપર્કમાં થોડોક વિરામ આવે. ઘરમાં રહેનાર સભ્યો અને બહાર જનારા એ બન્ને પક્ષે પોતાનો સમય પોતાની મરજી મુજબ વીતાવવાની થોડીક સ્વતંત્રતા મળે છે. આવો વિરામ આજકાલ શક્ય નથી. સાથે રહેતાં રહેતાં પણ એવો વિરામ એકબીજાને મળી રહે એવી ગોઠવણ કરો. દિવસના અમુક કલાકો દરેકને પોતાને જે કંઇ કરવું હોય, એ કરવાની સ્વતંત્રતા મળે, કોઇ એમાં એકબીજાને ડિસ્ટર્બ ન કરે એવું ગોઠવો.
આપણું પરિવારજન આપણી સાથે હોય ત્યાર સુધી આપણે એને મીસ નથી કરતા પણ જેવું એ બહાર જાય, આપણાથી દૂર જાય, એટલે આપણને એમની ખોટ સાલવા માંડે છે. એ જ રીતે સતત એકબીજાની આસપાસ રહેતા હોવા છતાં, અમુક સમય બિલકુલ પોતાની રીતે ગાળી શકે એવી વ્યવસ્થા કરીને આવી કૃત્રિમ દૂરી ઊભી કરવી સલાહભર્યું છે. એનાથી સતત સંપર્કના દબાણથી સંબંધનો શ્વાસ રુંધાતો અટકી જશે. દરેકને થોડીક મોકળાશ મળશે.
સાથે રહો, પણ સતત માથે ન પડો. બાજુમાં બેઠા હો તો પણ દરેકને એમની પોતાની આગવી થોડીક ક્ષણો આપો. દરેકને જીવનમાં મરજી મુજબની થોડી મજા મળતી રહે એવું કરો.
 
યાદ રાખો:
સતત અવાજથી સંગીત નથી સર્જાતું. બે ધ્વનિઓ વચ્ચેના અવકાશને કારણે જ સંગીત કર્ણપ્રિય બનતું હોય છે. જો આ અવકાશ ન હોય, તો એ અવાજ સંગીત નહીં, કર્કશ ઘોંઘાટનું સર્જન કરશે.
સહજીવનને સંગીતમય બનાવવા, એકબીજાને થોડીક સ્પેસ આપો. સતત સાથે રહેતા રહીને પણ એકબીજાને સ્વતંત્રતાનો શ્વાસ લેવાની થોડીક જગ્યા આપો. દરેકને પોતાની મરજી મુજબ અમુક સમય પસાર કરવાનો ચાન્સ મળે એવી વ્યવસ્થા કરો.
સતત સંપર્કની સાઇડ ઇફેક્ટસ કેવી રીતે અટકાવવી એ વિશે વધુ નેક્ષ્ટ પોસ્ટમાં.
મારો ગુજરાતી બ્લોગ: http://gujaratiblog.smebusinessguide.com/

વધુ માહિતી માટે અહીં ક્લીક કરો: https://bit.ly/3s6uT8F

– સંજય શાહ

Leave a Reply