માર્કેટિંગ માત્ર શુષ્ક માહિતી આપવાની પ્રવૃત્તિ નથી; તે તો તમે તમારી વાતને કેવા સુંદર વાઘા પહેરાવીને રજૂ કરો છો, તેનું એક અદભુત વિજ્ઞાન છે. આ વાતને એક નાનકડા ઉદાહરણના તાંતણે સમજીએ.
કલ્પના કરો કે બે વેપારીઓ કસબીઓએ કંડારેલી પ્રીમિયમ સાડીઓનો વ્યાપાર કરે છે. બંને પોતાના શો-રૂમમાં વેચાણનું “સેલ” રાખે છે. ગ્રાહકોને આમંત્રવા પહેલો વેપારી બધે જાહેરાત કરે છે: “સાડીઓ પર અધધ… ડિસ્કાઉન્ટ!”
જ્યારે બીજો વેપારી એક કલાત્મક સાદ પાડે છે: “તમારા રૂડા પ્રસંગને દીપાવવા, આવો, માણો એક શાનદાર અને શાહી પરંપરાનો અનોખો અનુભવ.”
બંને વેપારીઓનો ઉદ્દેશ્ય ગ્રાહકને આકર્ષવાનો જ છે અને કદાચ બંનેની સાડીઓની ક્વોલિટી પણ એકસમાન જ છે. પરંતુ, બીજા વેપારીની રજૂઆત ગ્રાહકોના મનમાં એક મીઠી ઉત્સુકતા જગાડે છે અને તેમને પોતે કંઈક ‘ખાસ’ હોવાનો રજવાડી અહેસાસ કરાવે છે. નરી વાસ્તવિકતા તો એ છે કે, ગ્રાહકનું મન આંકડાઓ કે કિંમતની ગણતરી કરે તે પહેલાં જ, તેનું હૃદય સાહજિકતાથી ‘લાગણીઓ’ના સાદને હોંકારો આપી દે છે.
તમારા માર્કેટિંગ પ્રમોશનમાં ચીલાચીલુ અને ફિક્કા શબ્દો વાપરવાને બદલે, તમારી વાતમાં પ્રાણ પૂરે તેવા પ્રભાવશાળી શબ્દોનો શણગાર સજો. દા.ત.
-
“નવું જુઓ” ને બદલે “નવી દુનિયામાં પ્રવેશો” (Discover)
-
“ઉપયોગ કરો” ને બદલે “અનુભૂતિ કરો” (Experience)
-
“માત્ર તમારા માટે” ને બદલે “નિતાર્યું ખાસ તમારા માટે” (Exclusive)
-
“હાથે બનાવેલું” ને બદલે “કસબીઓના હાથનું કામણ” (Handcrafted)
-
“સારું જીવન” ને બદલે “તમારી જીવનશૈલીને આપો નવી ઊંચાઈ” (Elevate)
આવા શબ્દો સાવ સાધારણ વાક્યમાં પણ ચેતનાનો સંચાર કરી દે છે. જ્યારે આપણે ‘ફેબઇન્ડિયા’ (FabIndia) કે ‘તનિષ્ક’ (Tanishq) ની જાહેરાતો જોઇએ છીએ, ત્યારે તેઓ માત્ર કાપડ કે જડ સોનું નથી વેચતા; તેઓ પેઢીઓથી ચાલી આવતી કળા અને જીવંત પરંપરાનો એક હૂંફાળો અહેસાસ વેચે છે.
માત્ર ‘ડિસ્કાઉન્ટ’ની લાલચ જોઈને જે ગ્રાહકો ઉંબરો ચઢે છે, તેઓ તમારા નહીં, પણ ‘કિંમત’ના સગા છે. આજે તેઓ તમારી પાસે સસ્તું હોવાથી આવ્યા છે, આવતીકાલે બીજે ક્યાંક બે પૈસાનો ફાયદો દેખાશે તો ત્યાં વળી જશે. આવા સંબંધોનું આયુષ્ય પાણીના પરપોટા જેવું અલ્પજીવી હોય છે.
પરંતુ, જે ગ્રાહક પોતે કોઈ મૂલ્યવાન અને મોભાવાળી વસ્તુ પ્રાપ્ત કરી રહ્યો છે, તેવા ગર્વના અહેસાસ સાથે તમારી પાસે આવે છે, તે તમારી બ્રાન્ડને ભાવતાલના ત્રાજવે નથી તોલતો. તે તો એક પ્રીમિયમ બ્રાન્ડ પોતાના જીવનમાં ઉમેર્યાના પરમ સંતોષ સાથે વિદાય લે છે. આવા ગ્રાહકો વારંવાર પાછા ફરે છે અને તમારી બ્રાન્ડ સાથે વફાદારીના અતૂટ બંધનથી જોડાઈ પણ જાય છે.
હવે પછી જ્યારે પણ તમે તમારી કોઈ નવી જાહેરાત, વેબસાઈટ, સોશિયલ મીડિયાની પોસ્ટ કે પેમ્ફલેટનું સર્જન કરો, ત્યારે તમારી જાતને એક સવાલ અચૂક પૂછજો: શું આમાં કંડારેલા શબ્દો ગ્રાહકને માત્ર શુષ્ક ‘માહિતી’ (Inform) જ પીરસે છે, કે પછી તેમને તમારી બ્રાન્ડના પરિવારમાં જોડાવા માટે અંદરથી ‘પ્રેરિત’ (Inspire) કરે છે?
યાદ રાખજો, તમારી પ્રોડક્ટમાં રતીભાર પણ ફેરફાર કર્યા વિના, માત્ર શબ્દોની યોગ્ય અને કલાત્મક પસંદગી તમારી બ્રાન્ડને ગ્રાહકોના માનસપટલ પર કાયમ માટે અંકિત કરી શકે છે. તે તમારી વસ્તુના મૂલ્યમાં અનેકગણો વધારો કરે છે અને ગ્રાહકના ખરીદીના નિર્ણયને પોલાદી બનાવે છે.
આજથી જ નીરસ અને સાદા શબ્દોનો ત્યાગ કરી, ગ્રાહકોના હૃદયના તાર ઝંકૃત કરી દે તેવા પ્રેરણાદાયક શબ્દોનો ઉપયોગ શરૂ કરો…!
