Close
Sanjay Shah, SME Business Coach

ધંધાનું મેનેજમેન્ટ નેક્ષ્ટ જનરેશનને સોંપવું અનિવાર્ય છે?

બિઝનેસ જગતમાં એક પ્રચલિત માન્યતા છે કે વેપારીના સંતાનોના તો લોહીમાં જ વેપાર હોય છે. એક પેઢીએ જે વટવૃક્ષ રોપ્યું હોય, તેને નવી પેઢી પોતાની સૂઝબૂઝથી એને નંદનવન બનાવશે જ એવી અપેક્ષા રાખવામાં આવે છે. આપણે એવા અનેક કિસ્સાઓ જોયા છે જ્યાં સંતાનોએ પિતાના ₹100 કરોડના ધંધાને  ₹10,000 કરોડ કે એનાથી પણ વધુ મોટા સામ્રાજ્યમાં ફેરવી નાખ્યો હોય.
પરંતુ, સિક્કાની બીજી બાજુ પણ એટલી જ વાસ્તવિક છે. એક જૂની કહેવત છે: “એક પેઢી ધંધો સ્થાપીને વિકસાવે છે, બીજી પેઢી તેને જાળવે છે અને ત્રીજી પેઢી તેને ખેદાન-મેદાન કરીને વેચી ખાય છે.” આ માત્ર કોઈ કહેવત નથી, પણ બિઝનેસ જગતનું કડવું સત્ય છે. આપણને આવા અનેક ઉદાહરણો જોવા મળે જ છે.

માલિકી અને મેનેજમેન્ટમાં તફાવત

અહીં સમજવા જેવો મુખ્ય તફાવત એ છે કે, સંપત્તિની માલિકી લોહીના સંબંધે મળી શકે, પણ મેનેજમેન્ટ એ માત્ર કૌશલ્યનો વિષય છે. ધંધાર્થી પરિવારની દરેક વ્યક્તિ કુશળ મેનેજર કે બિઝનેસ લીડર પણ હોય જ, એ જરૂરી નથી.
દુનિયાના સૌથી સફળ ઇન્વેસ્ટર વૉરન બફેટ આ બાબતે બહુ સચોટ ઉદાહરણ આપે છે:
“ધંધાનું મેનેજમેન્ટ આંખો મીંચીને સંતાનોને સોંપી દેવું એ એવું માની લેવા જેવું છે કે ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટનું સંતાન પણ ગોલ્ડ મેડલ લાવશે જ. કદાચ એના જીન્સમાં પ્રતિભા હોય, તો પણ મેદાન અને સ્પર્ધાનું સ્તર બદલાઈ ગયાં હોય છે.”
જે રીતે 80% નવા ધંધાઓ પહેલા પાંચ વર્ષમાં જ નિષ્ફળ જાય છે, તેવી જ રીતે વારસામાં મળેલો ધંધો જો અયોગ્ય હાથમાં જાય, તો તે પણ પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ શકે છે.

મેનેજમેન્ટ ક્યારે સોંપવું જોઈએ?

અનેક ફેમિલી બિઝનેસની સફળ અને નિષ્ફળ બન્ને પ્રકારની યાત્રાઓ નજીકથી જોયા પછી હું માનું છું કે આગામી પેઢીને સુકાન ત્યારે જ સોંપવું જોઈએ જ્યારે નિમ્નલિખિત ત્રણ સ્તંભો મજબૂત હોય:
  1. રસ અને રુચિ (Passion): શું નવી પેઢીને આ ક્ષેત્રમાં ખરેખર દિલચસ્પી છે? પરાણે ધંધા પર બેસાડેલો વારસદાર ધંધામાં બધું કમને, જબરદસ્તી કરે છે. એનામાં પોતાનામાં ધંધા પ્રત્યે કોઇ ઉત્સાહ ન હોવાથી એ ક્યારેય ધંધામાં ઇનોવેશન (નવીનતા) લાવી શકતો નથી.
  2. ક્ષમતા અને કૌશલ્ય (Competence): શું તેમની પાસે બદલાતા સમય સાથે ધંધાને અનુકૂળ થવાની આવડત છે? એમની પાસે મેનેજમેન્ટ ડિગ્રી હોય તો પણ ડિગ્રી હોવી અને ધંધાની રગ પારખવી એ બે અલગ વાતો છે.
  3. મહત્ત્વકાંક્ષા અને વિઝનનું મિલન (Alignment of Vision and Ambitions): શું નવી પેઢીની મહત્ત્વાકાંક્ષાઓ અને જીવનશૈલી ધંધાના નૈતિક મૂલ્યો અને એના સ્થાપકના વિઝન સાથે મેળ ખાય છે? જો દીકરો કે દીકરી કોઈ અન્ય ક્ષેત્રમાં પોતાની ઓળખ બનાવવા માગતા હોય, તો તેમને પારિવારિક ગાદી પર બેસાડવા એ બંને પક્ષે અન્યાય છે.

નિષ્કર્ષ: લાગણી નહીં, તર્કથી વિચારો

ધંધાના સ્થાપક માટે પોતાના સંતાનને પોતાની ખુરશી પર જોવું એ ગર્વની વાત છે, પણ એક પ્રેક્ટીકલ ધંધાર્થી એ જ છે જે લાગણીમાં વહ્યા વગર નિર્ણય લે. જો આગામી પેઢી સક્ષમ ન હોય અથવા તેમને રસ ન હોય, તો પ્રોફેશનલ મેનેજમેન્ટ રાખવું એ ધંધાના હિતમાં હોય છે.
યાદ રાખો, ધંધો એ માત્ર પરિવારની મિલકત નથી, પણ અનેક કર્મચારીઓના ઘરની આજીવિકા પણ છે. આ એક સામાજિક જવાબદારી છે. એટલે જ, નેક્સ્ટ જનરેશનને મેનેજમેન્ટ આપતાં પહેલાં તેમના ગમા-અણગમા, ક્ષમતા અને એટીટ્યૂડનું નિષ્પક્ષ મૂલ્યાંકન કરવું અનિવાર્ય છે.
યાદ રાખો:
તમારો ધંધો તમારી વિરાસત છે, તેને ટકાવવા માટે ક્યારેક ‘મોહ’ છોડીને ‘માર્ગ’ બદલવો જરૂરી  હોય છે.

Leave a Reply