Close
વડોદરામાં શ્રેષ્ઠ બિઝનેસ કોચ

સંતાનોની ક્ષમતાને પૂરી ખીલવા દો.  એમની રિસ્ક ટેકીંગ એબિલિટી ન ઘટાડો

આપણા સંતાનોને પોતાની કારકિર્દી પસંદ કરવામાં આપણાથી કેવી રીતે અજાણપણે દબાણ અપાઇ જાય છે, અને એનાથી એમની કરિયરના વિકાસની શક્યતાઓ કેવી રીતે કુંઠિત થઇ જઇ શકે છે, એના વિશે આજે વાત કરીએ.
આપણે સંતાનને 20-22 વર્ષ સુધી પાળીએ, પોષીએ, મોટું કરીએ, ભણાવીએ, ગણાવીએ જેથી એ પોતાના પગભર ઊભું રહી શકે અને સ્વતંત્ર રીતે પોતાનું જીવન ચલાવી શકે.
પરંતુ જેવું ભણવાનું પૂરું થાય, એટલે બાળકો પર બે પ્રકારના દબાણો શરૂ થાય છે. એક તો પોતાની સ્વતંત્ર આવક ઊભી કરવી અને બીજું લગ્ન કરીને સેટલ થઇ જવું. મોટે ભાગે આ બન્ને બાબતોમાં થોડીક ઉતાવળ થાય છે, અને સંતાનો મા-બાપની અપેક્ષાઓના પ્રેશરને કારણે કરિયર અને લગ્ન બાબતે એવા નિર્ણયો લઇ બેસે છે, જે એમના ભવિષ્ય પર બહુ અવળી અસર કરે છે.
પહેલાં તો પોતાની આવક ઊભી કરવા વિશે. 
ઘણાં મા-બાપો બાળકોને એ રીતે ઉછેરે છે કે જાણે પેન્શનની કોઇ વીમાની પોલિસીનું પ્રિમિયમ ભરતાં હોય. 20-22 વર્ષ સુધી એનું પ્રિમિયમ ભર્યું એટલે પછીના વર્ષથી પેન્શનની રકમ આવવી શરૂ થઇ જવી જોઇએ.
હવે જો તમે થોડી ગણતરી માંડી હોય, તો તમને ખ્યાલ હશે, કે વીમા કંપનીઓની પેન્શન સ્કીમો ઇન્વેસ્ટમેન્ટના દ્રષ્ટિકોણથી કેટલી બિનઅસરકારક હોય છે. એમાં રોકાણકારને ખૂબ જ ઓછું રિટર્ન મળે છે.
કારણ?
પોલિસી હોલ્ડરને પ્રોમિસ કરેલું નિયત રિટર્ન આપવાનું હોવાથી વીમા કંપની પ્રિમિયમની રકમનું રોકાણ એવી રીતે કરે છે કે જેથી મૂડીનું રિસ્ક બિલકુલ ન હોય, ભલે ને વ્યાજ ઓછું મળે, પણ એ મળતું રહેવું જોઇએ. આને કારણે માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટના બીજા વિકલ્પો હોય, એના કરતાં આવી સ્કીમોમાં બહુ ઓછું રિટર્ન જ મળતું હોય છે.
એ જ રીતે આપણા સંતાન પર જો એવું પ્રેશર હોય, કે એણે ભણવાનું પૂરું કર્યા પછી તરત કમાવાનું છે, દર મહિને અમુક નિશ્ચિત રકમ હાથમાં આવવી જ જોઇએ, તો પછી એવા પ્રેશરમાં એ કેવા નિર્ણયો લેશે?
જે કોઇ નોકરી કે ધંધો મળે, જેમાં ઓછામાં ઓછું રિસ્ક હોય, એવી પસંદગી એ કરશે. પોતાની અંદર વિકસવાની ક્ષમતા હોવા છતાં, થોડાક રિસ્કવાળા પરંતુ અનેકગણી વધારે આવક મળી શકે એવા વિકલ્પો તરફ એ જોશે જ નહીં. 
હવે, આપણી એજ્યુકેશન સિસ્ટમ એવી છે કે કોઇ પણ ડિગ્રી લઇને નોકરી શોધવા નીકળેલા વિદ્યાર્થીઓ બહારના પ્રેક્ટીકલ જગત માટે બિલકુલ તૈયાર નથી હોતા. પ્રેક્ટીકલ વિશ્વમાં જે જોઇએ છે, એવું એમને કંઇ આવડતું જ નથી હોતું. એટલે અનુભવ વગરની અવસ્થામાં એમને જે ઓપ્શન મળે છે, એમાં ઓછા પગાર કે વિકાસની ઓછી તકોવાળા હોય,તો પણ તેઓ કમને પણ સ્વીકારી લે છે, કેમ કે એમને એ વખતે કેટલું મળે છે, એના કરતાં કંઇક મળે છે, એ વધારે મહત્ત્વનું હોય છે. અને એકવાર પગાર આવવાનો ચાલુ થઇ જાય, એટલે એ લાલચને છોડીને વધુ કંઇ શીખવાની કે બીજા રિસ્કી પરંતુ વધારે આવકવાળા વિકલ્પો શોધવાની ઇચ્છા જ એમનામાં મરી પરવારે છે. માણસ પોતાનાં સ્વપ્નોનું આકાશ સંકોરી લઇને સંતોષની સીમાઓમાં આખું જીવન વ્યતીત કરવાનું નક્કી કરી લે છે. એની અંદરનું પોટેન્શીયલ એ દિવસથી સુકાઈ  જવા માંડે છે. સંતોષ હોવો ખરાબ નથી, પરંતુ માણસની અંદરની ક્ષમતાઓને અભિવ્યક્તિનું પૂરતું આકાશ મળે, તો એ ઘણું કરી શકે, અને એ બધાંને માટે સારું જ હોય છે.
અમુક લોકો ધંધો શરુ કરે છે, તો એમાં પણ કાં તો પોતાને ગમતું ન હોય કે આવડતું ન હોય તો પણ પરિવારના પરંપરાગત ધંધામાં જોડાવાનું નક્કી કરે છે, અથવા તો અનુભવના અભાવે એવો ધંધો કે વ્યવસાય શરુ કરે છે, કે જેમાં બહુ ખતરો ન હોય, અને જલદી આવક શરૂ થઇ જાય, પછી ભલે ને એ આવક ઓછી કેમ ન હોય?
આ બન્ને પરિસ્થિતિઓ અટકાવી શકાય છે. જે મા-બાપે 20-22 વર્ષ સુધી સંતાનની સંભાળ રાખી હોય, એ હજી બીજા 4-5 વર્ષ પણ એવું કરવાની તૈયારી રાખે, સંતાન પર તરત કમાવાનું પ્રેશર ન નાખે તો સંતાનને માટે પોતાની પસંદગી અનુસારની નોકરી કે ધંધો તલાશવાનું અને એના માટે જરૂરી વધારાની ટ્રેનિંગ કે અનુભવ મેળવવાનું શક્ય બની શકે. એ પછી એ જે કંઇ શરૂ કરશે, એ પહેલાં કરતાં ચોક્કસ જ ઊંચી કક્ષાનું હશે, અને અનેકગણી આવક પણ લાવી શકશે. જરૂર માત્ર થોડી ધીરજની છે.
હવે આવા બીજા પ્રેશરની વાત જોઇએ. સંતાનોના લગ્ન કરાવીને એમને થાળે પડાવી દેવાની ઉતાવળ. 
ભણવાનું પૂરું થાય, એટલે સંતાને પરણવાની તૈયારી કરવી જોઇએ, અને યોગ્ય પાત્ર મળે એની સાથે ગોઠવાઇ જવું જોઇએ એવું મનાય છે. આને કારણે મોટાભાગનાં મા-બાપો પોતાનાં સંતાનો 20 થી 25 વર્ષની વયનાં હોય ત્યારે એમને પરણાવી દઇને પોતાની જવાબદારીમાંથી મુક્ત થવાનો સંતોષ લેવાની ઉતાવળ કરે છે.
આ બાબતમાં પણ, મોટા ભાગના નવપરિણીતોમાં લગ્ન વખતે એ સંબંધ માટે જરૂરી એવી માનસિક કે ભાવનાત્મક પુખ્તતાનો અભાવ હોય છે. એ લોકો આવા મોટા અને જવાબદાર સંબંધ માટે અપરિપક્વ હોય ત્યારે જ એમને સંસારના એ રથમાં જોતરી દેવામાં આવે છે. અને એમાં પણ જો અમુક વર્ષોમાં એ યુગલને બાળકો થઇ જાય, પછી એમની સમસ્યાઓ ઓર વધી જાય છે.
ઉપરાંત, લગ્ન કરવા માટે પણ પોતાની સ્વતંત્ર આવક હોય, તો જ એને લગ્ન માટે પાત્ર મળવાની શક્યતા વધારે હોય છે, અને એ કારણે લગ્ન કરવા માટે ક્વોલિફાય થવા માટે પણ જે મળ્યું એ નોકરી-ધંધો-વ્યવસાય શરૂ કરીને યુવાનો કરિયરનું શોર્ટકટ મારતા હોય છે, જે આગળ જતાં એમના જ જીવનની એક મોટી મર્યાદા બની જતી હોય છે.
આ બધું અટકાવી શકાય, જો મા-બાપ થોડીક ધીરજ રાખે તો.
દરેક મા-બાપને એવી ઇચ્છા હોઇ શકે કે પોતાના સંતાનો મોટા થઇને પોતાની સંભાળ રાખે અને ફાઈનાન્શિયલી સપોર્ટ કરે. ઘડપણની શારીરિક નબળાઇને કારણે મા-બાપની સંભાળ રાખનાર કોઇ હોય, તો એમને મદદ થાય, એ સમજી શકાય, અને સંતાનો પાસેથી એ અપેક્ષા રાખવામાં કંઇ ખોટું પણ નથી. મા-બાપની ઘડપણની લાકડી બાળકો જ બને, અને એવું જ હોવું જોઇએ.
પરંતુ ભણીને તરત જ મા-બાપને ફાઇનાન્શીયલ સપોર્ટ આપવાનો છે, એવું શરૂઆતથી જ સંતાનના મનમાં બેસાડી દેવામાં આવે, તો એનાથી એમના પોતાની કરિયર વિશેના રિસ્ક મિનિમાઇઝીંગના આધાર પર લેવાયેલા નિર્ણયોની એમનાં આગળનાં જીવન પર કેટલી માઠી અસર થાય છે, એ વિશે મા-બાપે વિચારવું જોઇએ.
દરેક વ્યક્તિમાં ઘણી કાબેલિયતો હોય છે, પરંતુ એ પીછાણવામાં, નિખરવામાં, વિકસવામાં, વ્યક્ત થવામાં સમય લાગતો હોય છે. માણસને પોતાને પણ પોતાના રસ, પસંદગીઓ, વિશિષ્ટ શક્તિઓ અને નબળાઇઓ વિશે માહિતગાર થવામાં સમય લાગતો હોય છે. આવી પૂરતી સમજ વગર શરુ કરાયેલા નોકરી-ધંધાઓમાં લોકો બહુ આગળ વધી શકતા નથી.
આપણા સંતાનને પણ પોતાની ખૂબીઓ, ખાસિયતો, ખામીઓ સમજવામાં સમય લાગે જ. આપણે એ સમય એમને આપવો જ જોઇએ, જેથી તેઓ પૂરેપૂરી ક્ષમતા પ્રમાણે ખીલી શકે અને પોતાના કામથી આપણું નામ રોશન કરી શકે અને પોતાની કારકિર્દીને મહેંકતી કરી શકે.
એ જ રીતે આપણા સંતાનો આપણને જલદીથી દાદા-દાદી કે નાના-નાનીની પદવી અપાવે, એવી અપરિપક્વ ઘેલછાઓના શિકાર થઇને આપણે એમને પૂરતી તૈયારી વગર જ લગ્ન જેવા મહત્ત્વના સંબંધમાં જોડી દઇએ, એવું પણ ન જ કરવું જોઇએ.
આપણા સંતાનની કાબેલિયત અનુસાર એ પસંદગીઓ કરી શકે એટલો સમય આપણે એને આપવો જ જોઇએ. આપણા દબાણને કારણે એના વિકાસની શક્યતાઓનું આકાશ સીમાબદ્ધ ન થઈ જાય અને એ પોતાના સ્વપ્નો અને ક્ષમતાને અનુરૂપ એવું આકાશ શોધીને એમાં મુક્તપણે વિહાર કરી શકે એવી સ્વતંત્રતા આપવાની મહત્ત્વની જવાબદારી પણ આપણે નિભાવવી જ જોઇએ.
વધુ માહિતી માટે અહીં ક્લીક કરો: https://bit.ly/2VKJqLk

Leave a Reply