Close
વડોદરામાં શ્રેષ્ઠ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ

નવું સગપણ બાંધતાં પહેલાં આ સંબંધ પણ મેચ કરવો જરૂરી છે

એક   છોકરા અને એક છોકરી વચ્ચે જ્યારે સગપણ જોડવાની વાત આવે, ત્યારે બન્ને   પક્ષે સામેના પક્ષ અંગે અમુક તપાસ કરાતી હોય છે. ક્યાંક કુંડળી-જન્માક્ષર   મેળવાય છે, તો ક્યાંક એમની શૈક્ષણિક લાયકાત, ધર્મ, જ્ઞાતિ, ભાષા, સંસ્કાર,   રહેણીકરણી, બ્લડ ગ્રુપ મેચ થાય છે કે નહીં એ જોવાય છે.
બન્નેની જોડી બરાબર લાગશે કે નહીં એ ચેક કરવા એમના હાઇટ, વેઇટ, સ્કીનના કલરને પણ ધ્યાનમાં રાખવામાં આવે છે.
અમુક જગ્યાઓએ બન્ને પરિવારોના આર્થિક સદ્ધરતા અને સામાજિક મોભાની પણ સરખામણી કરવામાં આવે છે.
સગપણ   બાંધતાં પહેલાં આટલી બધી બાબતોને ધ્યાનમાં રાખ્યા બાદ બંધાયેલા આ  સંબંધમાં  પણ તકલીફો ઊભી થાય, વારંવાર ખટરાગ, નાના-મોટા ઝઘડા અને માથાકૂટો  વધતાં  વધતાં અંતે એ વિચ્છેદમાં પરિણમે એવું અનેકવાર બનતું હોય છે.
આટલી   બધી ચકાસણી કર્યા બાદ પણ સંબંધ ટકી ન શકવાના અનેક કારણો હોઇ શકે. પરંતુ   એમાંનું એક મહત્ત્વનું કારણ હોય છે, બન્ને વ્યક્તિઓના પૈસા વિશેના   અભિપ્રાયો, મંતવ્યો અને એમની લાગણીઓ, માન્યતાઓમાં મોટો ફરક હોવો.  દરેક  માણસનો પૈસા સાથેનો સંબંધ જુદો હોય છે. અને જો પૈસા નામની મહત્ત્વની વસ્તુ  સાથે ભિન્ન સંબંધો ધરાવતા લોકો લગ્ન કે એવી કોઇ પણ લાંબી પાર્ટનરશીપના  સંબંધમાં જોડાય તો એને કારણે પણ ઘણી સમસ્યાઓ સર્જાઇ શકે છે.
લગ્ન  બાદ સહજીવનની જ્યારે શરૂઆત થાય છે, ત્યારે પૈસાની વાત પણ આવે છે. અને પૈસા વિશે જો બે માણસ અલગ અલગ વલણ ધરાવતા હોય, તો મતભેદના બીજ રોપાય  છે, જે પરિપક્વતાથી ન સંભાળાય, તો મનભેદ સુધી પણ પહોંચી શકે છે.
અમુક   લોકોને  પૈસા પ્રત્યે ખૂબ લગાવ હોય છે. એમના માટે પૈસા સર્વોપરી હોય છે.   પૈસાનું નાનું-મોટું નુકસાન એમના  માટે અસહ્ય હોય છે. તેઓ દરેક બાબતમાં   પૈસાની ગણતરી કરતાં રહે છે, અને કોઇક સંબંધમાં પોતાને પૈસાનું નુકસાન   થવાનું હોય તો એવા કિસ્સાઓમાં પૈસા માટે ઝઘડા કરવામાં કે સંબંધ દાવ પર   લગાવી દેવામાં પણ તેઓ અચકાતા નથી.
સામે બીજા  એવા  પણ લોકો હોય છે કે જે સંબંધોને પૈસાની ગણતરીથી દૂર રાખે છે. એમના  માટે  સંપત્તિ કરતાં સંબંધનો વૈભવ વધારે કિંમતી હોય છે. આવા લોકો પૈસાને  કારણે  કોઇ ઝઘડો થાય કે સંબંધ બગડે એવું નથી થવા દેતા.
અમુક   લોકો પોતાની પાસેના પૈસા આવનારા સમયમાં જરૂર પડે તો એ માટે બચાવી  રાખવામાં  માને છે. આ લોકો સતત આવતીકાલના ડરમાં, સતત અસલામતીમાં જીવે છે.  તો બીજા  પોતાની પાસે જે કંઇ છે, એને જીવનનો આનંદ માણવા માટે વાપરીને મજા  કરવાનું  પસંદ કરે છે. તેઓ બેફિકરાઇથી મસ્ત-મોજીલું જીવન જીવવામાં માને છે.
કોઇક   વાર પૈસા કઇ રીતે કમાવાય છે, એના પરથી પણ પૈસા ખર્ચવાની આદતો વિકસતી હોય   છે. એવું બને કે જે માણસે એક એક રૂપિયો કમાવવા માટે મહેનત થતી જોઇ હોય,   પૈસા નાની નાની માત્રામાં આવતા જોયા હોય, એ માણસની પૈસા અંગેની વર્તણૂક   બીજી એવી વ્યક્તિ ન સમજી શકે જેણે પૈસા ટુકડે ટુકડે નહીં પણ મોટી  માત્રામાં  એક સાથે આવતા જોયા હોય.
દરેક માણસમાં  પૈસા  પ્રત્યેનો અભિગમ વ્યક્તિગત રીતે જ વિકસેલો હોય છે. એક જ પરિવારમાં  જન્મેલા,  ઉછરેલા એક જ મા-બાપના અલગ અલગ સંતાનોના પૈસા અંગેના વિરોધાભાસી  વલણો પણ  જોવા મળે છે. અત્યંત ધનાઢ્ય પરિવારનું એક સંતાન એક એક પૈસો  વાપરતાં અનેકવાર  વિચાર કરતું હોય, અઢળક પૈસા હોવા છતાં કરકસર કરી કરીને  રહેતું હોય, અને  બીજું બેફામ પૈસા ઉડાડીને જલસા કરતું હોય એવા ઉદાહરણો  જોવા મળે છે.
અમુક  કિસ્સાઓમાં કઇ બાબતો માટે   પૈસા ખર્ચાય છે એના વિશે મતભેદો હોય છે. અમુક  લોકો કપડાં-ફેશન,  હરવા-ફરવામાં અને મોજ-શોખમાં પૈસા ઉડાડી નાખે છે, તો  બીજા પોતાના  સ્વાસ્થ્ય, શિક્ષણ કે લાંબા સમય સુધી ઉપયોગી થાય એવી અસેટ્સ  ખરીદતી વખતે  પૈસાનો વિચાર નથી કરતા.
કોઇક માત્ર  બીજા પાસેથી  પોતાને પૈસા મળતા રહે એવી કોશિશમાં રહે છે, તેઓ માત્ર પૈસા  મેળવવામાં માને  છે, તો બીજા અમુક પોતાના પૈસાથી બીજાને શક્ય એટલી મદદ થઇ  શકે એવી ભાવના  રાખે છે. આવા લોકો આપવામાં માને છે.
ટૂંકમાં,   પૈસા અંગે અલગ અલગ લોકોની માન્યતાઓ અલગ હોય છે, અને એમાંની કઇ માન્યતા   સાચી છે અને કઇ ખોટી છે, એનો નિર્ણય કરવાનું આપણા માટે યોગ્ય ન ગણાય કારણ   કે કોઇની જિંદગી આપણે જીવી નથી, એમના સંજોગોથી આપણે માહિતગાર નથી કે એમની   મજબૂરીઓ આપણે અનુભવી નથી.
પરંતુ લગ્નજીવન જેવા   જીવનભરના સંબંધમાં જોડાતી વ્યક્તિઓ જો પૈસા અંગે વિરોધાભાસી વલણો ધરાવતી   હોય, તો આ ફરકને કારણે એમના લગ્નજીવનની નૈયા વિવાદ, વિખવાદ અને વિચ્છેદ   જેવા અળખામણા વમળોમાં અટવાઇ જાય એવું બની શકે.
આવું  થતું અટકાવવું હોય, તો બન્નેના, પૈસા પ્રત્યેના અભિગમનું અલાઇનમેન્ટ  પહેલેથી જ ચેક કરી લેવું જોઇએ.  પહેલેથી  જ જાણી લો કે પૈસા વિશે,  પૈસા કમાવા, બચાવવા, સાચવવા, ખર્ચવા, આપવા, લેવા  વિશે સામની વ્યક્તિની શું માન્યતાઓ છે?  પૈસા વિશેના મતભેદો સંબંધમાં  વચ્ચે ન આવે,  એનું ધ્યાન રાખવામાં આવે, તો ઘણાં  સહજીવન સુખમય બની શકે, ઘણા પરિવારો  તૂટતા બચી શકે.
સંબંધમાં  સંવાદિતા જળવાઇ રહે,  એનું બેલેન્સ હલી ન જાય એ માટે બેલેન્સ શીટની  ગણતરીઓના જુદા માપદંડો,  સંબંધના સરવૈયાને ભરખી ન જાય, એ તકેદારી રાખો.
આવું નથી થતું ત્યારે આપણો સંબંધ, સંપત્તિ સંગ્રહના અભિગમોની ભિન્નતાનો શિકાર બની જાય એની શક્યતા રહે છે.
વધુ માહિતી માટે અહીં ક્લીક કરો: https://bit.ly/37x1ye8

Leave a Reply