Close
વડોદરામાં બિઝનેસ કન્સલ્ટન્સી સેવાઓ

બિઝનેસ વર્તુળોમાં અને રોજિંદા જીવનમાં સ્વચ્છતા-મેનર્સ-એટીકેટ જાળવવા વિશે અમુક માર્ગદર્શક સૂચનો

કોરોના વાઇરસના આગમને આખા જગતને સ્વાસ્થ્ય અને સ્વચ્છતા વચ્ચેના ગાઢ સંબંધ વિશે જાગૃત કરી દીધો છે. આ બિમારી વિસ્તૃત રીતે ફેલાવાનું કારણ પણ માનવજાતની ઘણી આદતો જ છે.
સામાન્ય રીતે પણ, આપણા ભારત દેશમાં રોજિંદા જીવનમાં સ્વચ્છતાનું પાલન કરવા વિશે બહુ જાગૃતિ નથી. હવે તો આ બાબતમાં સાવચેત રહેવું ખૂબ જ જરૂરી બની ગયું છે.
આજે જ્યારે વૈશ્વીકરણને કારણે આપણે બધાં બિઝનેસ માટે અલગ અલગ દેશો અને કલ્ચરના લોકોનો સંપર્કમાં આવીએ છીએ, એવા સમયે વ્યક્તિગત સ્વચ્છતા (પર્સનલ હાઇજીન)ની બેઝિક બાબતોનું આપણને જ્ઞાન ન હોવાને કારણે અમુક દેશ કે અમુક કલ્ચરના લોકો સાથેના સંપર્કમાં આવીએ ત્યારે આપણી અણસમજ કે અજ્ઞાનને કારણે આપણે એ લોકોની લાગણીઓને અજાણપણે દુભાવીએ છીએ. અમુક કિસ્સાઓમાં તો આપણા અણઘડ વર્તનને કારણે કોઇક લોકો આપણી સાથે કામ કરવાનું પણ પસંદ નથી કરતા, અને એને કારણે આપણને ધંધામાં પણ નુકસાન થવાની શક્યતાઓ રહે છે.
દુર્ભાગ્યે, લોકો સાથે કે બીજા લોકોની હાજરીમાં કેવી રીતે વર્તવું એ માટે મેનર અને એટીકેટ (શિષ્ટાચાર અને રીતભાત)ની કોઇ ટ્રેનિંગ આપણને મળી હોતી નથી. હવેની સ્કૂલોમાં એ શીખવવાનું શરૂ થયું છે, પરંતુ પહેલાં એવી કોઇ તાલીમ આપણને મળી નહોતી એટલે આપણા વર્તનથી બીજા કલ્ચરના લોકોને શું ખરાબ લાગે છે, એની જાણ પણ આપણને હોતી નથી.
આપણે, હવે પછીના જીવનમાં ધંધાના સ્થળોએ પર્સનલ હાઈજીન અને મેનર્સ-એટીકેટ્સની અમુક બાબતો અંગે શું ધ્યાન રાખવું જોઇએ એ વિશે થોડીક ચર્ચા કરીશું.

બિઝનેસમાં લોકો સાથે મળતી વખતે ધ્યાન રાખવા જેવું

હાથ મિલાવવા, શેક-હેન્ડ
હમણાં હવે કોરોનાકાળમાં તો હાથ મિલાવવાનું ઓછું થઇ ગયું છે, પણ જો એવા સંજોગ આવે, તો આ શરૂઆતના શિષ્ટાચારમાં અમુક બાબતો ધ્યાનમાં રાખવા જેવી હોય
છે :
શેક-હેન્ડ કરતી વખતે આપણા હાથ સાફ હોય એની કાળજી રાખો. ભીના હાથવાળા કોઇની સાથે હાથ મિલાવવાનું કોઇને ગમતું નથી.બીજું, શેક-હેન્ડ વ્યવસ્થિત હોવું જોઇએ. આખો પંજો એમાં બરાબર ભાગ લે, અને એમાં જરૂર પૂરતું વજન જ અપાય એ ધ્યાન રાખવું. અડધું-પડધું, ઉત્સાહ વગરનું કે કુસ્તી કે પંજો લડાવતા હોઇએ એવું વજનદાર શેક-હેન્ડ સામેના માણસને આપણા અભિગમ વિશે જાણ કરી જ દે છે. એ જ રીતે એક પુરુષ અને મહિલા જો મળતા હોય, તો શેક-હેન્ડ કરવું કે વિનમ્ર નમસ્તેથી એકબીજાનો સત્કાર કરવો એનો નિર્ણય મહિલા પર છોડવો જોઇએ.
ડ્રેસ કોડ
આપણો ફોર્મલ ડ્રેસ કોડ એ મીટિંગ અને પ્રસંગને અનુરૂપ હોવો જોઇએ. એમાં આપણા શૂઝ, મોજાં, બેલ્ટ કે બીજી કોઇ એસેસરીઝ વગેરે પણ સામેલ છે. રોજિંદા ઓફિસ સેટ-અપમાં ફોર્મલ કપડાં એટલે એકદમ સોબર કલરના, કોઇ પણ પ્રકારના પ્રિન્ટ, એમ્બ્રોઇડરી કે ઝાકઝમાળ વગરના હોવા જોઇએ. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલમાં તારક મહેતા અથવા મિસ્ટર અય્યર ઓફિસ જતી વખતે જેવા કપડાં પહેરે છે, એ ફોર્મલ કપડાં છે, અને દુકાનદાર જેઠાલાલ જે પ્રકારના રંગબેરંગી તથા અલગ અલગ પ્રકારની પ્રિન્ટ્સ અને અટેચમેન્ટવાળા કપડાં પહેરે છે, એ તથા સરદારજી સોઢી ટી-શર્ટ, જીન્સ વગેરે જે પહેરે છે, એ કેઝ્યુઅલ કપડાં છે, જે મોડર્ન ઓફિસ સેટ-અપને અનુકૂળ નથી.
બીજું, ઓફિસ સેટ-અપમાં સ્પોર્ટ્સ શૂઝ, સ્લીપર, ચપ્પલ, સેન્ડલ કે ફેન્સી કલરવાળા શૂઝ ઉચિત નથી ગણાતા.
મોજાં પણ શૂઝ અને પેન્ટના કલરને અનુરૂપ હોવા જોઇએ.
પેન્ટ પર બેલ્ટ પહેરવું જરૂરી છે. બ્લેક શૂઝ સાથે બેલ્ટ પણ બ્લેક જ હોવું જોઇએ. એ જ રીતે બ્રાઉન શૂઝ પર એના મેચિંગ કલરનું બેલ્ટ પહેરાવું જોઇએ.
મહિલાઓ માટે પણ આવા જ નિયમો લાગુ પડે છે. ડીસન્ટ કપડાં, એસેસરીઝ અને મેક-અપ અપેક્ષિત હોય છે.
ખાસ બિઝનેસ ગેધરીંગ કે મીટિંગોમાં સૂટ, બ્લેઝર, જેકેટ, ટાઇ વગેરે પહેરી શકાય. પણ એ બધા સંજોગોમાં બીજા લોકો શું પહેરતા હોય છે, એની ખબર પડી શકે તો એને અનુરૂપ આપણું ડ્રેસ-અપ નક્કી કરવું જોઇએ, જેથી આપણે બીજા કરતાં ઉતરતી કક્ષાના કે બધા કરતાં ઉપલી કક્ષાનો ડ્રેસ પહેરીને બીજાની સરખામણીમાં અજુગતા ન દેખાઇએ.
બે વ્યક્તિઓ વચ્ચેનું અંતર
બિઝનેસ માટે મળતી વખતે બે જણ વચ્ચે પૂરતું અંતર હોવું જરૂરી છે. એકદમ નજીક નહીં, અને અત્યંત દૂર નહીં એટલું અંતર રાખવું જોઇએ. કોઇને સંકોચ થાય એ રીતે માથે પડવું નહીં, અને આપણી સાથે વાત કરવામાં એણે જોરથી બોલવું પડે એટલું દૂર પણ બેસવું નહીં.

મીટિંગોમાં કે કોઇની હાજરીમાં ધ્યાન રાખવાની બાબતો

વાતચીતની ભાષા
બિઝનેસની વાતચીતમાં બન્ને પાર્ટી એક જ ભાષા બોલે એ ઇચ્છનીય હોય છે. સામેના માણસને ઇંગ્લીશ કે આપણે જેને ઉપલી કક્ષાની ભાષા માનતા હોઇએ એ ન આવડતી હોય, તો માત્ર ઇમ્પ્રેશન મારવા આપણે એ બોલતા રહીએ અને સામેની વ્યક્તિને શરમાવતા રહીએ એ અવિવેક ગણાય.
બોલવાનું વોલ્યુમ
આપણું બોલવાનું વોલ્યુમ એ જગ્યાની સાઇઝ, આજુબાજુના લોકો, ત્યાંનો અવાજ એ બધી બાબતોને ધ્યાનમાં રાખીને નક્કી કરવું જોઇએ.
મોબાઇલ ફોન ઉપાડવાનું
આપણે કોઇ સાથે માટિંગમાં બેઠા હોઇએ ત્યારે આપણા મોબાઇલ પર ફોન આવે, તો એ એકદમ જરૂરી હોય , તો જ ઉપાડવો જોઇએ અને એમ કરતી વખતે પણ સામેની વ્યક્તિને વિનમ્રતાથી પૂછીને કે જાણ કરીને શક્ય એટલા ધીમા અવાજે ફોન પર વાત કરવી જોઇએ. એ વખતે સામે કોઇ આપણી રાહ જોઇ રહ્યું હોય છે, એ ધ્યાનમાં રાખીને જલદીથી એ ફોન પૂરો થાય એ જોવું.
શક્ય હોય તો ફોન વાઇબ્રેટ મોડ પર હોવો ડોઇએ, અને જો ન હોય, તો ફોન પર રીંગટોન સોબર હોવો જોઇએ. કોઇ પણ પ્રકારના ગીતો કે વિચિત્ર અવાજોના રીંગટોન બિઝનેસ સેટ-અપમાં અવિવેકી ગણાય છે.
મેસેજ, ઇ-મેલ અટેન્ડ કરવાનું
એ જ રીતે મીટિંગની અધવચ્ચે મેસેજ કે ઇ-મેલ જોવા કે જવાબ આપવાનું પણ ટાળવું જોઇએ.
ઓડકાર કે ગેસ પાસ કરવાનું
ઓફિસોમાં કે બિઝનેસ મીટિંગોમાં જ્યારે આપણી સાથે બીજા લોકો હાજર હોય, ત્યારે આપણા શરીરમાંથી નીકળી શકે એવા તમામ અવાજો સાયલન્ટ મોડમાં જ થવા જોઇએ. એમને બહુજનહિતાય મુક્ત વિહારની પરવાનગી ન જ અપાવી જોઇએ. આપણા શારીરિક અવાજો આજુબાજુના લોકો સુધી ન પહોંચે એ માટે પોતાની જાતને ટ્રેઇન કરીને કોશિશ કરવાની હોય છે, અને મોટે ભાગે આ કોશિશો કામયાબ થતી જ હોય છે. સો નેક્સ્ટ ટાઇમ, સાયલન્સ પ્લીઝ…!
છીંક કે ખાંસી આવે ત્યારે
બીજાની હાજરીમાં ખાંસી કે છીંક આવે, તો એને સાયલ્ન્ટ મોડમાં કરી શકાય નહીં, પરંતુ એની અસર આજુબાજુ ન્યૂનતમ થાય એ માટે આપણા મોં પર રૂમાલ ઢાંકવો જરૂરી છે. રૂમાલ શક્ય ન હોય, તો આપણા હાથથી મોં કવર થવું જોઇએ, જેથી આજુબાજુના લોકોને આપણી ખાંસી કે છીંકના ફુવારાનો છંટકાવ ન થાય અથવા તો ત્યાંની હવામાં આપણે આપણા જંતુઓ ખુલ્લેઆમ ન પ્રસરાવીએ.
થૂંકવું કે નાક સાફ કરવાનું
કોઇ પણ સંજોગોમાં બીજાની હાજરીમાં થૂંકવું નર્યો અવિવેક છે. આવી ગંદી હરકત આપણે કરતા હોઇએ, તો એ તરત બંધ કરવી જોઇએ.
બીજાની હાજરીમાં આપણને નાક સાફ કરવાની જરૂર પડે, તો એ પણ કોઇ પણ પ્રકારના અવાજ વગર, સાયલન્ટ મોડમાં જ થવું જોઇએ. ઘણાં લોકો પોતાના રૂમાલમાં ભયંકર અવાજો સાથે નાક સાફ કરે છે, જેનાથી આસપાસના લોકોને ફિલ્મ દેખાતી ન હોય પણ ફિલ્મના માત્ર ડાયલોગ સંભળાતા હોય, એવું લાગે. ગમે તેટલી શરદી થઇ ગઇ હોય છતાં, ફિલ્મનો ડાયલોગ પણ ન સંભળાય એ જુઓ.  અમુક કામો તો કોઇ પણ પ્રકારના દેખાડા કે શોરબકોર વગર ચૂપચાપ જ થવાં જોઇએ. આ પર્સનલ કામ એમાંનું એક છે. ખાસ ધ્યાન રાખો.

બીજાંની હાજરીમાં કંઇ પણ ખાતી-પીતી વખતે

  • કંઇ પણ ખાવાનું ચાવતી વખતે મોં બંધ રાખવું જોઇએ. મોં ખુલ્લું રાખીને ચાવવું ઉચિત નથી.
  • એ જ રીતે ખાવાનો અવાજ બહાર ન આવે એ રીતે જ ખાવું જોઇએ.
  • ખાતાં-ખાતાં બોલવું નહીં.
  • ખાતી વખતે નાક સાફ કરવાની જરૂર પડે તો બીજાથી દૂર જઇને એકાંતમાં, સાયલન્ટ મોડમાં એ કામ કરવું જોઇએ.
  • ટેબલ પર, બૂફેમાં રાખેલી કે પીરસનારના વાસણમાંની ખાવાની વસ્તુઓ આપણી પ્લેટમાં આવે નહીં ત્યાં સુધી એના પર હાથ લગાડવો જોઇએ નહીં. ઘણી વાર એ વસ્તુને પ્લેટમાં લેતાં પહેલાં હાથથી ચેક કરવામાં આવે છે. આ અવિવેક છે.
  • જે હાથેથી ખાતા હોઇએ એ જ હાથેથી બૂફેનો ચમચો ઉપાડીને એનો ઉપયોગ કરવાનું પણ અનુચિત છે. એ માટે બીજા હાથનો ઉપયોગ કરવો.
  • આપણી પ્લેટમાં આવેલી વસ્તુ પાછી પીરસવાના વાસણમાં મૂકવી એ એકદમ ખરાબ આદત છે. આ ન જ થવું જોઇએ.

કોઇની ઓફિસમાં (ફોર્મલ બિઝનેસ સેટીંગમાં) કે બીજાના ઘરે જઇએ ત્યારે 

બેસવાનું 
મીટિંગમાં કે રાહ જોતી વખતે સાચવીને બેસવું જોઇએ. હાથ-પગ ફેલાવીને બેસવું અનુચિત છે.
ક્યાં જોવાનું
બેસતી વખતે બહુ આજુબાજુ જોવાનું કે ફાંફા મારવા નહીં. આપણી આંખો આપણી આજુબાજુ અથવા નીચે જોતી રહે એ ધ્યાન રાખવું. કોઇની સામે ટગર ટગર જોયા નહીં કરવાનું.
વોશ-રૂમ વાપરતી વખતે
વોશ-રૂમ આપણને જેવી કંડીશનમાં મળ્યો હતો, એવી જ કંડીશનમાં પાછો મળે એવી રીતે એનો ઉપયોગ કરવો. ત્યાંના કમોડ, બેસિન કે બીજી કોઇ પણ જગ્યાએ આપણી મુલાકાતના પુરાવા આપતા અવશેષોનો નિકાલ કરીને જ ત્યાંથી નીકળવું.
વધુ માહિતી માટે અહીં ક્લીક કરો: https://bit.ly/37x1ye8

Leave a Reply

%d bloggers like this: