Close
સુરતમાં માર્કેટિંગ કન્સલ્ટન્સી સેવાઓ

કોરોના વાઇરસના મહાસંકટ બાદ બિઝનેસને કેવી રીતે પાછો ધબકતો કરવો? ભાગ-1

કોરોના વાઇરસના મહાસંકટ બાદ બિઝનેસને કેવી રીતે પાછો ધબકતો કરવો? ભાગ-1
લગભગ બે અઠવાડિયાં થઇ ગયાં છે. આપણે લોક-ડાઉનને કારણે અચાનક મળેલી ફુરસદને વધાવી લીધી. ઘણી ઊંઘ કરી, જૂની યાદો તાજી કરી, ઘણું રમ્યા, લોકો સાથે રી-કનેકટ કર્યું, ઘણી ફિલ્મો, વેબ સિરિઝ અને યૂ-ટ્યુબ વિડિયોઝ જોયા, ઘણું વાંચ્યું, ઘણું સાંભળ્યું, ઘણી કસરત, ઘણું મેડીટેશન અને પોઝીટીવ થીન્કીંગ કર્યું, ઘણા ઓનલાઇન લેક્ચર અટેન્ડ કર્યા, ઘણો ટાઇમ-પાસ પણ કર્યો. હવે એક્શન ટાઇમ શરૂ થઇ જવો જોઇએ.
જે રીતે આપણે કોઇ લાંબી ટૂર પર જઇએ ત્યારે શરૂઆતના અમુક દિવસો મજા આવે, પછી ૮-૧૦ દિવસ બાદ આપણને આપણું કામ યાદ આવવા માંડે. આપણા ઘર, આપણા રૂટિનને આપણે મીસ કરવા માંડીએ. આપણને જલદીથી પાછા જવાની ઇચ્છા થાય. બસ, કંઇક એવું જ આપણી સાથે હમણાં થઇ રહ્યું છે.
હવે આપણને આપણું કામ યાદ આવવું જ જોઇએ.
પણ અત્યારે કામ તરત શરૂ કરવાની શક્યતા નથી. પૂરજોશમાં કામ તો શરૂ કરી શકાય એમ નથી. અને વર્તમાન લોક-ડાઉન પૂરું થયા બાદ બધું થાળે પડે, બધું પાછું જેમ હતું તેમ નોર્મલ થઇ જાય એ દરમિયાન અમુક મહિનાઓ તો નીકળી જ જશે, એવું અત્યારે તો લાગે છે. કામ ભલે તરત શરૂ ન કરી શકાય, પણ એ માટે તૈયારી અને પ્લાનીંગ તો શરૂ કરી જ શકાય ને? એ પહેલાં થોડી પૂર્વભૂમિકા સમજી લઇએ.
કોરોનાને કારણે દુનિયાભરમાં જે કેર વર્તાયો છે, એને કારણે વિશ્વ આખાનાં સમીકરણો ઘરમૂળથી બદલશે. દેશોના આપસમાં સંબંધો અને વ્યવહાર બદલશે. આને કારણે દરેક દેશમાં ધંધો કરવાની પદ્ધતિઓમાં ધરખમ ફેરફારો થશે. આવા જબરદસ્ત પરિવર્તનો અગાઉ પણ આવતા રહ્યા છે, પરંતુ એ પરિવર્તનો આટલી ઝડપથી નહોતા આવ્યા. કોરોના બાદ આખું વિશ્વ ઝડપભેર બદલી જશે. એટલે, આપણો ધંધો જેમ ચાલતો હતો, એમ નહીં ચાલી શકે. સતત બદલાતા વિશ્વમાં, નવા વિશ્વમાં કેવી રીતે ટકી રહેવું એ આપણા ધંધાએ શીખવું પડશે. એ ધંધાને ઝડપથી બદલવાનું આપણે પણ શીખવું પડશે.
આવું કેમ કરવું જોઇએ?
કેમ કે કોરોના મહામારીની આડઅસર રૂપે આપણા દેશની તથા વિશ્વની ઇકોનોમીમાં પહેલા તો મંદી આવશે. એકાદ વર્ષ બહુ કપરું પણ જશે, પરંતુ એ પછી ભારતના વિકાસની ક્ષિતિજો ખૂબ વિસ્તરશે, એ પણ એટલું જ સંભવિત જણાય છે. આગામી વર્ષો ભારતના ધંધા-ઉદ્યોગો માટે ખૂબ સારા જશે, એવો અભિપ્રાય વિશ્વભરના અર્થશાસ્ત્રીઓ અને નિષ્ણાતોનો છે. પણ એ સારા સમયનો લાભ આપણને મળે, એ પહેલાં દરેક ખરાબ સમયનો ટૂંકો પરંતુ કપરો તબક્કો આવશે અને એમાં ઘણું બદલાશે. એ સમયમાં આપણે ટકી રહેવું હોય, તો આપણે પણ ઘણા ચેન્જીસ કરવા પડશે.
પરિવર્તનના આ સમયમાં ટકી રહેવા માટે દરેક ધંધાએ પોતાનું નવસર્જન કરવું પડશે. હવે પછીનો સમય અપ્રતિમ પરિવર્તનનો હશે. નવા વિશ્વની નવી વાસ્તવિકતાઓ સાથે તાલ મીલાવવો હશે, તો જૂની વિચારસરણીને, જૂની જડતાને તિલાંજલી આપવી પડશે.
મહા-પરિવર્તનના દરેક કાળમાં અમુક કંપનીઓ બદલાતા પવનની સાથે પોતાના સઢની દિશા બદલીને પોતાની યાત્રા આગળ ધપાવી શકે છે. આપણે પણ બદલાતા પવનનો રૂખ સમજીને આપણો અભિગમ એને અનુરૂપ બનાવવો જોઇએ. આપણે પણ આપણા બિઝનેસને ચાલતો-ધબકતો-વિકસતો રાખવા માટે એમાં જરૂરી પરિવર્તનો કરવાની તૈયારી રાખવી જોઇએ.
તો ચાલો, કોરોના વાઇરસનો કેર પૂરો થશે એ પછી આપણને જ્યારે આપણું કામ શરૂ કરી શકવાની શક્યતા ઊભી થશે, ત્યારે શું શું કરવાનું રહેશે એનું લિસ્ટ તો હમણાં બનાવી જ શકાય ને? આવું એક લિસ્ટ બનાવો.
આગામી સમયમાં બે પ્રકારના કામો કરવાના આવશે
૧. શોર્ટ ટર્મ – તરત કરવાના કામો (પહેલા ત્રણ મહિનામાં)
૨. લોન્ગ ટર્મ (આગામી ત્રણ વર્ષોમાં)
શોર્ટ ટર્મમાં જે કામો કરવાના હોઇ શકે, એમાંના અમુક હેડીંગ અને એની નીચે અમુક ઉદાહરણરૂપ કામો અત્રે પ્રસ્તુત છે. તમે તમારા બિઝનેસને અનુરૂપ એમાં ચેન્જીસ કરી લેશો.

1. અધૂરા પ્રોજેક્ટ પૂરા કરવા

  • કોઇ ઓર્ડર અધૂરા હોય એને પૂરા કરવા
  • કોઇક ડિલિવરી રસ્તામાં અટકી હોય તો એનો નિકાલ કરાવવો
  • રીમોટ વર્ક (વર્ક ફ્રોમ હોમ)ના સમયગાળામાં જે કામો થયાં હોય, કે થઇ રહ્યાં હોય, એનું અપડેટ
  • કસ્ટમરોની પેન્ડીંગ ફરિયાદોનો સત્વરે નિકાલ કરાવવો
  • બીજા કોઇ પણ નાના-મોટા કામો કે જે અપૂર્ણ અવસ્થામાં હોય એ અહીં લખો…

2. કેશ મેનેજમેન્ટના કામો

શોર્ટ ટર્મમાં કેશને મેનેજ કરવાની ચેલેન્જ આવશે. ઓછામાં ઓછી રોકડ રકમ બહાર જાય, અને વધારેમાં વધારે કેશ ધંધાની અંદર આવે એવી કોશિશ કરવી પડશે.
    • કોની પાસેથી ઉધારી બાકી છે, એનું લિસ્ટ
    • એમની સાથે લેજર કન્ફર્મેશન અને પેમેન્ટ ફોલો-અપ
    • કોને પૈસા આપવાના બાકી છે, એનું લિસ્ટ
    • એમની સાથે સંપર્ક કરીને શક્ય એટલું પેમેન્ટ ડીલે કરવા માટેની વાતચીત
    • બેન્ક સાથે સંપર્ક કરીને લોનના હપ્તાઓમાં મુદત વધારવાનું પેપર વર્ક અને કઇ રીતે વધારે કેશ અરેન્જ થઇ શકે એની કોશિશ
    • જરૂરી પેમેન્ટનું ક્લીયરીંગ (ફોન, ઇલેક્ટ્રીસીટી, ઇન્ટરનેટ વગેરે વગેરે)
    • આગામી ત્રણ મહિના માટે કેશ-ફ્લોનું પ્લાનીંગ (કેટલી કેશ આવશે, અને કેટલી બહાર જશે એની ગણતરી)

3. કમ્પ્લાયન્સને લગતા કામો

  • નાણાકીય વર્ષ હમણાં જ પૂરું થયું છે, એને લગતા પેન્ડીંગ કામોનું લિસ્ટ
  • IT, GST, TDS વગેરેના રિટર્ન્સ, પેમેન્ટ જે કંઇ બાકી હોય, તે
  • HR Compliance (EPF, ESIC વગેરે)

4. ઇન્વેન્ટરી-સ્ટોકને લગતાં કામો

    • ફીનીશ્ડ પ્રોડક્ટ, રો-મટીરિયલ, WIP સ્ટોકની ગણતરી
    • એમાંથી કંઇક Expiry Goods હોય, તો એનો નિકાલ
    • નાની-મોટી કઇ વસ્તુનો ફરીથી ઓર્ડર આપવાનો છે, એનું લિસ્ટ

5. ટીમ મેનેજમેન્ટ

      • આપણા કયા માણસોનું શું સ્ટેટસ છે, એની HR Department પાસેથી માહિતી
      • એમાંથી કોણ કામ પર આવ્યું, કે કોણ નહીં આવી શકે એનું અપડેટ
      • કયા માણસોને કેટલો પગાર કે એડવાન્સ અપાયા છે, અને કોને શું આપવાનું બાકી છે, એનું લિસ્ટ
      • રીમોટ વર્કમાં કોણે શું કર્યું છે, એનું અપડેટ
      • રીમોટ વર્ક માટે કોને શું અપાયું હતું, શું પાછું લાવવાનું છે, એનું લિસ્ટ
      • કયા પાસવર્ડ કે રાઇટ્સ બદલવાના છે, એનું લિસ્ટ

6. કસ્ટમર મેનેજમેન્ટ

      • શક્ય હોય, તો બધા અને જો કસ્ટમરોની સંખ્યા વધારે હોય, તો દરેક મહત્ત્વના કસ્ટમર સાથે કોમ્યુનિકેશન ફરી શરુ કરવું. આપણી કંપનીમાંથી જે કોઇ એમની સાથે વાત કરતું હોય, એ સંવાદ ફરીથી શરુ કરે એ જોવું. કોણ કોની સાથે વાત કરશે, એ જોવું.
      • દરેક કસ્ટમરને આપણે કેવી રીતે આપણી સેવાઓ ફરીથી આપી શકીશું, એમાં કંઇક ફેરફાર હશે, તો એની જાણ કરવી
      • કસ્ટમરો સાથેનો વ્યવહાર ફરીથી નોર્મલ કરવા માટે શું કરવું પડશે, એનું લિસ્ટ

7. સપ્લાયર મેનેજમેન્ટ

    • દરેક સપ્લાયર સાથે સંવાદ-કોમ્યુનિકેશન ફરીથી શરુ કરવું અને એમની વર્તમાન પરિસ્થિતિનું સ્ટેટસ જાણવું.
    • દરેકની સાથેનો વ્યવહાર ફરીથી નોર્મલ કરવા માટે શું કરવું પડશે, એનું લિસ્ટ

8. પ્રોડક્શન મેનેજમેન્ટ

  • દરેક મશિનોની કન્ડીશન ચેક કરવી
  • જરૂરી રીપેર-મેન્ટેનન્સ કરાવવું
  • પ્રોડક્શન કરવા માટે જરૂરી રો-મટીરિયલ, એસેસરીઝ, સ્પેર પાર્ટ્સ વગેરેની વ્યવસ્થા કરવી

9. સેલ્સ મેનેજમેન્ટ

    • જો આપણી ડિસ્ટ્રીબ્યુશન ચેનલ હોય, તો ડિસ્ટ્રીબ્યુટર-ડીલર્સને સંપર્ક કરીને દરેકનું સ્ટેટસ ચેક
    • દરેક સાથે શું કામો બાકી છે, શું લેવડ-દેવડ કરવાની છે, એનું લિસ્ટ
    • આપણી સેલ્સ ટીમના દરેક મેમ્બરને મળીને ફરીથી કેવી રીતે શરૂઆત કરવાની છે, એની તૈયારી અને ટ્રેનિંગ
    • આપણી રીમોટમાં કામ કરતા ફિલ્ડ ફોર્સ સાથે વ્યક્તિગત સંપર્ક કરીને એમને પણે એવી જ ટ્રેનિંગ
    • પેન્ડીંગ ઇન્કવાયરીઓ હોય, તો એને અટેન્ડ કરવી

10. માર્કેટિંગ મેનેજમેન્ટ

    • વિવિધ મીડિયમ પર આપણી કઇ માર્કેટિંગ પ્રવૃત્તિઓ ચાલી રહી છે, એ દરેકનું સ્ટેટસ ચેક કરવું.
    • વેબસાઇટ-સોશિયલ મિડિયા, એપ વગેરે પર કંઇક મેસેજ મૂકવાના હોય, તો એની વ્યવસ્થા
    • આગામી ત્રણ મહિનાઓમાં કઇ માર્કેટિંગ પ્રવૃત્તિ કેવી રીતે ચાલુ રાખવાની છે કે રોકવાની છે, એના નિર્ણયો

11. લોજીસ્ટીક્સ મેનેજમેન્ટ

      • આપણા પોતાના વ્હીકલ્સ હોય,, તો એ દરેકનું ચેકીંગ કરાવવું અને તૈયાર કરાવવા
      • આપણા નિયમિત ટ્રાન્સપોર્ટ કોન્ટ્રેકટર્સ, કુરિયર્સ વગેરે સાથે સંપર્ક કરીને કોની સેવાઓ કેવી રીતે ચાલુ છે, એની તપાસ કરવી
      • આપણી કઇ ડિલિવરીઓનું ફોલો-અપ કે કન્ફર્મેશન બાકી હોય, તો એ કરાવવું
      • આગામી સમચમાં ડિલિવરીઓ કેવી રીતે થશે, એની તૈયારી કરવી

12. કોમ્યુનિકેશન મેનેજમેન્ટ

    • આપણી ટીમના દરેક મેમ્બર સાથે કોમ્યુનિકેશન કરવું હોય, તો કેવી રીતે થશે, એની વ્યવસ્થા કરવી. કોઇ એક જ પ્લેટફોર્મ પર બધા સાથે કોમ્યુનિકેશન થાય, એવી વ્યવસ્થા કરવી.
    • આપણે અત્યારે જે કરી રહ્યા છીએ, એના વિશેની રેગ્યુલર માહિતી આપણને (ઓફિસ બંધ હોય તો પણ) એક જગ્યાએથી કેવી રીતે મળી શકે એવી વ્યવસ્થા કરવી.
    • હમણાંના સમયમાં દરરોજ અમુક બાબતો વિશેનું અપડેટ, રિપોર્ટ અને માહિતી સંબંધિત ટીમ મેમ્બરોને મળતાં રહે એની વ્યવસ્થા કરવી.
    • ઓફિસ ફરીથી અમુક દિવસો માટે બંધ કરવી પડે, તો આપણી અલગ અલગ ટીમોના મેમ્બર્સ એકબીજા સાથે કેવી રીતે સંપર્કમાં રહેશે, અને જરૂરી મીટિંગ-ચર્ચાઓ કેવી રીતે કરશે, એની ગોઠવણ.
હું જાણું અને માનું છું કે આ લિસ્ટ હજી ઘણું અધુરું છે, પરંતુ આ એક ઉદાહરણ છે. આ દરેકમાં તમારા ધંધાને લગતી અનેક બાબતો હજી ઉમેરી શકાશે, જેની મારા કરતાં તમને વધારે ખબર હશે. પણ આવું એક વ્યવસ્થિત લિસ્ટ તૈયાર કરીને રાખશો, તો જ્યારે પણ શરૂઆત કરી શકાશે, ત્યારે ઘણી ક્લેરિટી હશે, અને આપણે તથા આપણી ટીમ જલદીથી કામે લાગી શકીશું.
હું મારા બ્લોગ પર આ લિસ્ટને અપડેટ કરતો રહીશ. તમને આ લિસ્ટમાં ઉમેરવા જેવું કંઇ યાદ આવે, તો કોમેન્ટમાં કે બીજી કોઇ રીતે મને જાણ કરશો.
મારો બ્લોગ: http://gujaratiblog.smebusinessguide.com
કોરોના વાઇરસના મહાસંકટ બાદ બિઝનેસને કેવી રીતે પાછો ધબકતો કરવો, લોન્ગ ટર્મમાં કયા કામો કરવા પડશે એના વિશે વધુ માર્ગદર્શન, વધુ ટીપ્સ આગામી પોસ્ટમાં…

વધુ માહિતી માટે અહીં ક્લીક કરો: https://bit.ly/3CBkWF9

Leave a Reply