Close
સુરતમાં બિઝનેસ કન્સલ્ટીંગ સેવાઓ

સતત સંપર્કની સાઇડ-ઇફેક્ટ્સ કેવી રીતે અટકાવવી? (ભાગ-3)

શબ્દોને પકડી નહીં રાખો. વાતનુ્ં વતેસર નહીં કરો.

જ્યારે અમુક લોકો લાંબો સમય સુધી સાથે રહે, ત્યાંરે એકબીજા વચ્ચેના એમના સંવાદ-કોમ્યુનિકેશનથી અમુક તકલિફો ઊભી થઇ શકે છે. કોઇકના બોલેલા શબ્દોથી બીજાને ખરાબ લાગી જાય, એ એનો ઊંધો અર્થ કાઢે અને પછી વાતનું વતેસર થાય, એવું બને.
આવે વખતે સંવાદ માથાકૂટમાં પરિવર્તિત ન થાય એનું ધ્યાન રાખવાની જરૂર હોય છે. આપણી તકલિફ એ હોય છે કે ક્યારેક કોઇકે બોલેલા આપણને અણગમતા લાગેલા શબ્દોની સામે આપણે પણ એવા જ અથવા તો એનાથી પણ વધારે તીખા-તમતમતા, આકરા શબ્દોથી એમને પ્રતિભાવ આપીએ છીએ. અથવા તો, જો એવો પ્રતિભાવ ન આપી શકીએ, તો આપણે એ શબ્દોને બહુ લાંબો સમય સુધી પકડી રાખીએ છીએ, અને મનમાં ને મનમાં ધુંધવાતા રહીએ છીએ. જો સતત સાથે રહેવું હોય, તો કોઇકે બોલેલા શબ્દોને જીદપૂર્વક પકડી રાખીને
“તેણે મને આવું કહ્યું જ કેમ?”
એ મનમાં કે શબ્દોમાં દોહરાવી-દોહરાવીને મનમાં ઉદ્વેગ વધારતા રહેવાનું ત્યાગવું પડશે.
કોમ્યુનિકેશન કરવાની દરેક વ્યક્તિની સ્ટાઇલ અને આદત અલગ અલગ હોય છે. આપણા કરતાં બીજાંની બોલવાની સ્ટાઇલ અલગ હોય અને એને કારણે તેઓ અમુક શબ્દો અમુક રીતે બોલતા હોય જે આપણને ન ગમે એવું બને. આ વખતે આપણી અને એમની સ્ટાઇલના આ તફાવતને સમજો. આપણે અમુક અઠવાડિયાઓમાં કોઇની વર્ષોથી વિકસેલી વાત કરવાની આદત કે સ્ટાઇલને બદલી નથી શકવાના. એને સ્વીકારવામાં જ આપણું અને આખા પરિવારનું ભલું છે.
બીજું, ઘણાંને કોમ્યુનિકેશન કેવી રીતે કરવું એની ટ્રેનિંગ મળેલી હોતી નથી. અને એને કારણે તેઓ એવી રીતે કોમ્યુનિકેશન કરતાં હોય કે જેનાથી આપણને ગુસ્સો આવે કે ચીડ ચડે. અહીં પણ આપણે આપણી સમજણને કામે લગાડવી જોઇએ. એમને કેમ બોલવું એની ખબર નથી, એટલે તેઓ આવું, આવી રીતે બોલે છે. અત્યારે ટ્રેનિંગ આપવાનું શક્ય નથી, અને કદાચ આપણી પાસેથી ટ્રેનિંગ લેવાનું એમને મંજૂર પણ ન હોય. એટલે, એમની અન-ટ્રેઇન્ડ મેથડને સમજીને ચૂપ રહો.
ત્રીજું, પોતાના બોલવાને કારણે સાંભળનારની લાગણીઓ પર શું અસર થાય છે, એની સમજ અને જાગ્રતિ ઘણામાં નથી હોતી. આવી ઇમોશનલ ઇન્ટેલીજન્સના અભાવને કારણે પણ ઘણું બેજવાબદાર કોમ્યુનિકેશન થતું હોય છે. પરંતુ આમાં આપણે એ રીતે આપણા મનને સમજાવવું પડે કે સામેના માણસનો ઇરાદો ખરાબ નથી, પરંતુ અહિંસક કોમ્યુનિકેશનની આવડતના અભાવને કારણે આવી રીતે બોલાય છે, અને એમની એ નબળાઇને કારણે પણ આપણે એમને માફ કરી દેવા જોઇએ.
ટૂંકમાં, કોઇએ બોલેલા શબ્દોનાં સરવાળા-બાદબાકી કરીને જાતે દુખી થવાનીઅથવા તો સામે બેવડી તાકાતથી ચોપડાવી દેવાની આપણી અદમ્ય ઇચ્છા કે આપણી આદતને આપણે પોતે જ રોકવી જોઇએ. એ માટે આપણે એમના શબ્દોમાંથી જરૂર કરતાં વધારે અર્થ કાઢવાની કસરત પણ રોકવી જોઇએ. આપણી અંદર જો સતત બીજાના બોલને કારણે અજંપો રહ્યા કરતો હોય, તો આપણે જ એ અજંપાને શાંત કરવાનું શીખવું પડશે.
પરિવારજનો સાથે રહેવા મળેલ સમયમાં શાંતિ જાળવી રાખવી હોય, તો આપણી અંદરના અવાજને પહેલા શાંત કરવો પડશે. બોલાયેલા શબ્દોને પકડી રાખીને પોતે દુ:ખી થવાનું અને બીજાંને દુ:ખી કરવાનું બંધ કરવું પડશે.
એ જ રીતે, આપણે બોલેલા શબ્દો પરિવારની બીજી વ્યક્તિઓની અંદર આવી તકલિફ ઊભી ન કરે એવું જવાબદારીભર્યું કોમ્યુનિકેશન જ કરવાનું, બોલવામાં સંયમ અને કાબૂ રાખવાનું કામ પણ આપણે કરવું જ રહ્યું.
જરૂર કરતાં વધારે બોલીને વાત બગડે નહીં. શબ્દોને પકડીને વાતનું વતેસર થાય નહીં, એ ધ્યાન રાખીશું તો સતત સંપર્કની આવી અવળી સાઇડ-ઇફેક્ટ્સથી આપણે બચી શકીશું.

વધુ માહિતી માટે અહીં ક્લીક કરો: https://bit.ly/3s6uT8F

Leave a Reply