ડોન્ટ ટેક યોર ફેમિલી મેમ્બર્સ સિરિયસલી.
આપણી સાથે રહેતા તમામ લોકો આપણા પતિ કે પત્ની, આપણા માતા-પિતા, આપણા ભાઇ-બહેન, આપણા સંતાનો કે આપણા કોઈ પણ બીજા સગાંઓ કે જે ચાર દિવાલોની અંદર આપણી સાથે રહે છે, પરિવારની એ બધી વ્યક્તિઓના મૂડ એકસરખા હોય, ત્યાં સુધી આપણા સહજીવનની નાવ બહુ શાંતિથી ચાલતી રહે છે. પરંતુ બધાના મૂડ લાંબો સમય સુધી એકસરખા રહી શકે નહીં ને?
એમાં કોઇક એકનો મૂડ ખરાબ થાય, અને એ કંઇક બોલી નાખે, એટલે ઘરનું વાતાવરણ ડહોળાઇ જાય છે. અને પછી એ વાતાવરણને નોર્મલ થતાં ખૂબ સમય લાગે છે.
આવું થતું અટકાવવા માટે મારું સૂચન છે કે તમારા ફેમિલી મેમ્બર્સને સિરિયસલી નહીં લો.
આ વાક્ય મારા સેમિનારોમાં જ્યારે જ્યારે હું બોલું છું, ત્યારે ઓડિયન્સના ચહેરા પર એક સવાલ જોવા મળે છે. હા, આ એક વિવાદાસ્પદ વાક્ય છે. પરંતુ આનો મતલબ એ નથી કે આપણે આપણા ફેમિલી મેમ્બરની કોઇ પણ વાતને ગંભીરતાથી નહીં લેવી કે તેમની અવગણના કરવી. પણ હું એમ કહેવા માંગુ છું કે આપણા પરિવારજનો ક્યારે કદાચ ગુસ્સો, તાણ કે દુઃખની અવસ્થામાં આપણને કંઈક કહી દે તો એને મન પર નહીં લેવાનું. હું સમજું છું કે આ આસાન નથી. પણ એને થોડુંક સમજશો તો સ્વીકારવું આસાન થઇ જશે.
કેવી રીતે?
કેમ કે દરેક વ્યક્તિ દિવસના 24 કલાક દરમિયાન અલગ અલગ પ્રકારની લાગણીઓમાંથી પસાર થાય છે. આપણે પોતે પણ સવારે ઉઠીએ ત્યારથી માંડીને રાત્રે સૂઈએ એ દરમિયાન હંમેશા એક જ પ્રકારની લાગણીમાંથી પસાર નથી થતા. ક્યારેક આપણે ખુશ હોઇએ છીએ, તો ક્યારેક આપણે દુઃખી થઇ જઇએ છીએ. ક્યારેક આપણને ડર લાગે છે, ક્યારેક ભૂખ લાગે છે, ક્યારેક તરસ લાગે છે, ક્યારેક થાક લાગે છે, ક્યારેક બહુ મજા આવે છે, ક્યારેક કંટાળો આવે છે, ક્યારેક બહુ ગુસ્સો આવે છે… આ તમામ પ્રકારની ફીલિંગ્સમાંથી આપણે પસાર થઈએ છીએ.
જે રીતે આપણે દિવસ દરમિયાન અલગ અલગ પ્રકારની ઈમોશન્સમાંથી પસાર થતા હોઈએ છીએ, એ જ રીતે આપણા ઘરમાં આપણી સાથે રહેનાર વ્યક્તિ પણ દિવસ દરમિયાન અલગ અલગ પ્રકારની ઈમોશન્સ માંથી પસાર થતું હોય ને? એને પણ ગુસ્સો આવે, એને પણ ભૂખ લાગે, એને પણ થાક લાગે, એને પણ મજા આવે, એને પણ કંટાળો આવે એવું બને જ ને?
જે રીતે આપણો મૂડ કભી ખુશી કભી ગમની સાઇકલમાંથી પસાર થતો હોય, એ રીતે આપણા પરિવારજનનો મૂડ પણ કભી ખુશી કભી ગમની સાઇકલમાંથી પસાર થતો હોય, અને એની એ સાઇકલ આપણાથી વિપરીત હોય એવું બને. મતલબ કે આપણે જ્યારે ખુશ હોઇએ, ત્યારે એની ગમની સાઇકલ ચાલતી હોય, એ દુખી હોય અને જ્યારે આપણું મગજ કોઇ કારણસર અપસેટ હોય, ત્યારે એના મનમાં ખુશીની લહેરો પ્રસરેલી હોય, એવું બની શકે.
એકબીજાની કભી ખુશી કભી ગમની સાઇકલ અલગ અલગ હોવાને કારણે પરિવારમાં માથાકૂટો સર્જાતી હોય છે. બસ, બે જણની કભી ખુશી કભી ગમની આ ભિન્ન સાઇકલને સમજવાની જરૂર છે. પોતાની ગમની સાઇકલને કારણે તેમણે આપણને કંઇક કહી દીધું, તો એને સિરિયસલી નહીં લો. એને જતું કરો.
યાદ રાખો:
કોઇ પણ માણસ સતત એક જ પ્રકારના મૂડમાં રહી શકે એ શક્ય જ નથી. આપણે પણ ક્યાં સતત એકસરખા મૂડમાં રહી શકીએ છીએ?
તો જે રીતે આપણા મૂડના અપ-ડાઉન ચાલતાં રહે છે, એ જ રીતે આપણા પરિવારજનોના મૂડ પણ બદલાતા રહે છે, એમની લાગણીઓમાં પણ ઉતાર-ચડાવ આવે છે એ સમજીને આપણે એમને સહૃદયતાપૂર્વક સ્વીકારવાની જરૂર છે.
આપણે કોઇ દિવસ આવું કર્યું નથી, એટલે એ સ્વીકારવું સહેલું નથી. પરંતુ આવી પરિસ્થિતિ પણ પહેલાં ક્યારેય આવી નથી ને?
તો આ નવી પરિસ્થિતિમાં સંબંધને ટકાવી રાખવો હોય, તો આપણા ફેમિલી મેમ્બરને સિરિયસલી નહીં લો. થોડી સમજણ અને સ્વીકૃતિને વિસ્તૃત કરો.
વધુ માહિતી માટે અહીં ક્લીક કરો: https://bit.ly/3s6uT8F