Close

મહાન લોકો કેવી રીતે મહાન બનતા હોય છે?

બોલીવૂડ વિશે જેને જરાક પણ ખબર હોય, એ અમિતાભ બચ્ચનના નામથી અજાણ ન જ હોય. અને જેને એમના વિશે થોડીક ખબર હોય, એ એમની મહાનતાથી પ્રભાવિત થયું ન હોય એ પણ અસંભવ જ છે.
પણ “બીગ બી” આવી તોતીંગ પર્સનાલિટી બન્યા કેવી રીતે?
૧૧ ઓક્ટોબર ૨૦૨૨ના “બીગ બી” ૮૦ વર્ષના થયા. ૮૦મા જન્મદિવસે પણ કામમાં વ્યસ્ત રહેવાની કામ પ્રત્યેની નિષ્ઠા એ એમની અપાર સિદ્ધિઓનું એક કારણ છે.
કામ પ્રત્યેની લગન ઉપરાંત સમયપાલન પણ એમનો એક ખાસ ગુણ છે. જે બોલીવૂડમાં મોડું આવવું એક સ્ટેટસ સિમ્બોલ ગણાય છે, એમાં સમયનું ચુસ્તપણે પાલન કરીને પણ અપ્રતિમ સફળતા હાંસલ કરનાર તરીકે બીગ બીનું ઉદાહરણ હું મારા સેમિનારોમાં આપતો હોઉં છું.
હાલમાં એમના જન્મદિવસે એમની સમયપાલન માટેની ચુસ્તતા વિશે એક બીજી વાત જાણવા મળી.
એક વખત એક નવી એફએમ ચેનલના ઉદ્દઘાટન સમયે રજૂ થનાર એક ઓડિયોના રેકોર્ડિંગ માટે એમને સ્ટુડિયોમાં સવારે છ વાગ્યે (નવાઇ લાગી ને?) પહોંચવાનું હતું. પણ સવારે ૫.૪૫ વાગ્યે તેમણે આયોજકને ફોન કર્યો. “મારા પિતા ઘણા બિમાર છે અને ગઇ રાત એમણે ખૂબ તકલીફમાં વિતાવી છે. એમની સંભાળમાં મને થોડું મોડું થયું છે. હું સમય પર નથી પહોંચી શક્યો એનો મને ખેદ છે.”
એ પછી પણ તેઓ એ રેકોર્ડિંગ સ્ટુડિયોમાં પહોંચ્યા ત્યાર સુધી વધુ ત્રણ વાર ફોન કરીને આયોજકને પોતે ક્યારે પહોંચશે એના વિશે જાણ કરતા રહ્યા.
અમુક વ્યક્તિવિશેષો એવું માનતા હોય છે કે સમયપાલન વિશે આટલી ચોકસાઈ અને રાહ જોનાર માટે આટલી વિનમ્રતા દાખવવાની એમને કોઇ જરૂર નથી, એટલે તેઓ મન ફાવે એટલા મોડા પહોંચતા હોય છે, અને લોકો પણ એમની વિશેષતાની સામે આવી નાની વાતોને ચલાવી લેતા હોય છે.
પણ સિદ્ધિઓના ઉત્તુંગ શિખર પર બિરાજમાન વ્યક્તિ પણ જ્યારે નાનામાં નાની વાત વિશે ચીવટ રાખે છે, અન્યો પ્રત્યે વિનમ્રતા દાખવે છે, ત્યારે જ એ એક સામાન્ય કલાકારમાંથી “બીગ બી” બને છે.
મહાન લોકો જીવન પ્રત્યેના એમના અભિગમથી, પોતે બનાવેલા નિયમોમાં બિલકુલ બાંધછોડ કર્યા વગર જ જીવન જીવીને મહાન બનતા હોય છે.

Leave a Reply

%d bloggers like this: