Close

તમારી બ્રાન્ડને ચીલાચાલુ પ્રણાલીનો શિકાર ન બનવા દો

હમણાં દિવાળી આવશે. અનેક ધંધાઓ પોતાના ગ્રાહકોને, સપ્લાયરોને, ઓળખીતાંઓને ડિજિટલ ગ્રીટિંગ કાર્ડ મોકલશે.

કેમ?

કેમ કે આપણા જેવા બધાંય ધંધાઓ દરેક તહેવારમાં એવું કરે છે, એટલે આપણે પણ કરવાનું.
કેમ કે આવા કાર્ડ ડિઝાઇન કરાવીને ફટાફટ મોકલી દેવાનો ચીલો પડી ગયો છે.
કેમ કે ડિજિટલ ગ્રીટિંગ કાર્ડ મોકલવું સહેલું છે.

પણ એ સાથે એ પણ વિચારો કે
આવા ગ્રીટિંગ કાર્ડ મોકલવાનો અર્થ શું છે? આપણે એ શા માટે કરીએ છીએ?
એક છાપામાં ફૂલ પેજ જાહેરાત આપીને બધાંયને મોકલાતી શુભેચ્છાઓ કેટલાને પહોંચે છે?
એનાથી કોને પોતાને શુભેચ્છાઓ મળી હોય એવું અનુભવાય છે?

એ જ રીતે આપણે પણ લોકો સાથે આપણી કંપની અને બ્રાન્ડનો સંપર્ક જાળવી રાખવા માટે આવા, બધાંય મોકલતા હોય એવા, ડિજિટલ ગ્રીટિંગ મોકલતા હોઇએ છીએ. પણ એનાથી કોઇનો આપણી બ્રાન્ડ સાથેનો સંપર્ક વધારે ઘનિષ્ઠ થયો હોય એવું લાગે છે?

તહેવારોના દિવસે એક દિવસમાં સો-બસો મેસેજ લોકોને મળતા હોય, એમાં આપણો મેસેજ ક્યારે આવે અને ખોવાઇ પણ જાય એની ખબર પણ કોને પડતી હોય છે?

આવી અર્થ વગરની કોપી-કેટ બ્રાન્ડીંગ એક્સરસાઇઝથી આપણને મેસેજ મોકલ્યાનો સંતોષ થવા સિવાય કંઇ પ્રાપ્ત થતું નથી.

બધાં કરતા હોય એવું કરવાથી આપણી બ્રાન્ડની કોઇ અનોખી છબી ઊભી કરી શકાતી નથી. કંઇક અલગ, કંઇક હટકે કરીએ તો જ બ્રાન્ડની છબી ઊભી થાય છે.

કોઇકે બનાવેલા ચીલા પર ચાલવાને બદલે કંઇક નવો ચીલો પાડો. જો આ શુભેચ્છાઓને ખરેખર અસરકારક બનાવવી હોય, અને શક્ય હોય, તો દરેકને વ્યક્તિગત નામ સાથે શુભેચ્છાઓનો મેસેજ મોકલો, કેમ કે શુભેચ્છાઓ તો પર્સનલાઇઝ્ડ જ સારી લાગે અને બીજું કે આવું પર્સનલાઇઝેશન બહુ લોકો કરતા નથી.

બાકી ફોનમાં આવતી, સેંકડો-હજારો લોકોને એક સાથે મોકલાતી સૂકી શુભેચ્છાઓ કોઇ સુધી પહોંચતી નથી. એવી બ્રાન્ડીંગ એક્ટિવિટિઝ પાછળ સમય શક્તિ વેડફવાનો કંઇ અર્થ નથી.

Leave a Reply

%d bloggers like this: