Close
વડોદરામાં શ્રેષ્ઠ માર્કેટિંગ કન્સલ્ટન્ટ

સાચું માન, ખરેખરો આદર કોને મળે છે?

આપણું સ્ટેટસ, આપણા મોભાને સાબિત કરવાની દરેક કોશિશ અજાણપણે આપણા  આંતરિક ખાલીપાને રજૂ કરતી હોય છે. આપણા વજૂદની સાબિતી બહારથી મળે, એના પર બીજા કોઇકની શાબાશીની મહોર લાગે એવી ઇચ્છાનો મતલબ જ એ છે કે આપણે અંદરથી અસલામતીનો અનુભવ કરી રહ્યા છીએ અને બહારથી, બીજાં પાસેથી કંઇક પ્રોત્સાહન મળે એવી ઝંખના કરીએ છીએ.
સતત પોતાનું મહત્ત્વ સાબિત કરવાની કોશિશથી આપણને બીજાં પાસેથી માન મળી શકશે નહીં. આપણે જો ખરેખર માન મેળવવું હોય, તો સૌ પ્રથમ બીજાંને મહત્ત્વ આપવું જરૂરી છે.  આપણે બીજાંની વાત સાંભળવી, સમજવી જરૂરી છે.
આપણે પોતે પણ કયા લોકોને સાચું માન આપીએ છીએ?
જેણે પોતે ખોટી રીતે હજારો કરોડો રૂપિયાની મિલકત ભેગી કરી એવા નેતાને આપણે દેખીતી રીતે સલામ કરીએ તો પણ એમને મનોમન ધિક્કારીએ છીએ, કારણ કે તેમણે આપણને કોઇ મહત્ત્વ નથી આપ્યું હોતું. આપણે એ નેતાને ખરેખર માન આપીએ છીએ, જે આપણા માટે કંઇક કરે છે, જે આપણા નાના-મોટા પ્રોબ્લેમ્સને સોલ્વ કરવામાં મદદ કરે છે.
ધારો કે બે અબજોપતિઓ છે અને બન્નેએ લગભગ એક કક્ષાની ભૌતિક સંપત્તિ એકઠી કરી છે. એક જણે નીતિમત્તાને નેવે મૂકીને બધું ભેગું કર્યું હોય,  પોતે ઘમંડી અને ઉદ્ધત હોય અને બીજાએ સારી રીતે કામ કરીને, બીજા માટે કંઇક સારું કરીને પોતાની સફળતા હાંસલ કરી હોય, જે પોતાના વ્યવહારમાં વિનમ્ર હોય. બહારી રીતે,  સારું લગાડવા કદાચ સલામ તો આપણે બન્નેને કરીએ પરંતુ આપણે મનોમન માન વધારે કોને આપશું? એને જ કે જેની વર્તણૂક આપણને માનનીય લાગી હોય.
આપણે એ લોકોને જ સાચું માન આપીએ છીએ, જેમણે આપણને કંઇક મહત્ત્વ આપ્યું હોય, જેમણે પોતાના કામોથી આપણા કે બીજા માટે કંઇક સારું કર્યું હોય અથવા તો પોતાના કામથી કે વિનમ્રતાથી એક ઉદાત્ત ઉદાહરણ પૂરું પાડ્યું હોય. આપણા મનમાં એ માન ઉપજવા માટે સામેની વ્યક્તિનું સફળ હોવું જરૂરી નથી હોતું.
આવું જ બીજા લોકો આપણા માટે વિચારતા હોય છે.  બીજા લોકો પાસેથી માન-મરતબો મેળવવા માટે આપણી સફળતાઓનો, આપણી સિદ્ધિઓનો ઢંઢેરો પીટવાનું ચાલુ રાખશું ત્યાં સુધી આપણા ખાલીપણાનું બ્યુગલ જ બહાર સંભળાયા કરશે. એનાથી સાચો આદર નહીં મળે.
સાચો આદર તો અન્યોના મહત્ત્વના સ્વીકારથી, એમની મહત્તાને માન આપવાથી જ મળશે.
વધુ માહિતી માટે અહીં ક્લીક કરો: https://bit.ly/3ArFKgn

Leave a Reply

%d bloggers like this: