Close

સફળ ધંધાઓ બધાંય માટે મૂલ્ય સર્જન કરે છે.

એમેઝોનના સ્થાપક જેફ બેઝોસે હંમેશા પોતાના ધંધાઓ દ્વારા મૂલ્ય સર્જન પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.  આનું એક ઉદાહરણ અહીં પ્રસ્તુત છે, જેમાં વ્યક્તિગત વૈભવ વિશેનું તેમનું મંતવ્ય પણ વ્યક્ત થાય છે.
થોડા વર્ષો પહેલા જ્યારે તેઓ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ હતા, ત્યારે એક ઇન્ટરવ્યુમાં એમને પૂછાયેલું:
તમે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છો. શું આ ટાઇટલ તમને ખરેખર જોઈતું હતું?”
તેમનો જવાબ હતો:
“મેં ક્યારેય આ ટાઇટલ ઝંખ્યું નથી. જ્યારે હું વિશ્વનો બીજો સૌથી ધનિક વ્યક્તિ હતો ત્યારે પણ બધું બરાબર જ હતું. વિશ્વની સૌથી ધનિક વ્યક્તિ કહેવડાવવાને બદલે જો મારી ઓળખ જેફ બેઝોસ એક શોધક, એક ઉદ્યોગપતિ કે એક પિતા તરીકે અપાય તો એ હું મારા માટે વધુ અર્થપૂર્ણ ગણું છું.”
આજના સ્ટેટસ-કેન્દ્રિત વિશ્વમાં જ્યાં લોકો પોતાની વાસ્તવિક નેટવર્થને વધારી-ચડાવીને દેખાડો કરવાની એકેય તક ગુમાવતા નથી, ત્યાં દુનિયાની સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક એ બાબતને હળવાશથી લઇને એને બહુ મહત્ત્વ આપતા નથી.
જેફ બેઝોસનું કહેવું હતું કે વાસ્તવમાં આ બાબતમાં વધારે સારી વાત એ છે કે ૨૦ વર્ષમાં અમે એમેઝોન કંપની મારફતે અમારા પોતાના કરતાં અન્ય લોકો માટે વધુ મૂલ્ય સર્જન કરવામાં સફળ થઇ શક્યા છીએ. તે સમયે એમેઝોનનું માર્કેટ કેપિટલાઇઝેશન લગભગ 1 ટ્રિલિયન ડોલર હતું. એમાંથી તેમની પોતાની પાસે  16% હિસ્સો હતો જેની કિંમત લગભગ 160 બિલિયન ડોલર હતી. એનો મતલબ એ થયો કે બાકીના લગભગ 840 બિલિયન ડોલરનું મૂલ્ય અન્ય શેરહોલ્ડરો માટે ઊભું થયું હતું અને જેફ બેઝોસ માટે એ વધુ નોંધપાત્ર હતું.
સફળ ધંધાઓ તેમના સ્થાપકો ઉપરાંત તેમના અન્ય શેરહોલ્ડરો, કર્મચારીઓ, કસ્ટમરો, સપ્લાયરો વગેરે અન્ય હિસ્સેદારો માટે પણ બહોળું મૂલ્ય સર્જન કરે છે.
-સંજય શાહ
SME બિઝનેસ કોચ

Leave a Reply