કંઇક હાંસલ કરવા માટે ગોલ સેટ કરવો જોઇએ કે નહીં, એ વિશે ઘણી વખત વિવાદ થતો રહે છે.
ગોલ સેટ કર્યા પછી પણ મોટે ભાગે એ લક્ષ્ય હાંસલ નથી થતું હોતું અને બીજી બાજુ જેણે કોઇ ગોલ સેટ ન કર્યો હોય, એવાં લોકો પણ અનેકગણી સિદ્ધિઓ હાંસલ કરી જતાં હોય છે.
તો આપણે લક્ષ્ય રાખવું જોઇએ કે નહીં?
મારા મતે રાખવું જ જોઇએ. ગોલ સેટ કરવાના અમુક ફાયદાઓ છે. અહીં જોઇએ…
આપણે જે કંઇ પણ હાંસલ કરવા માગતા હોઇએ, એ આપણી સામાન્ય શક્તિઓ કરતાં, આપણી અત્યાર સુધી સાબિત થયેલી ક્ષમતા કરતાં વિશેષ હોવું જોઇએ. એ થોડુંક અથવા તો ખૂબ કઠિન હોવું જોઇએ. આવો મુશ્કેલ ગોલ સેટ કરવાથી આપણને આપણી શક્તિઓ વિસ્તારવાની પ્રેરણા મળે છે. કઠિન લક્ષ્યને કારણે આપણે આપણી અત્યાર સુધીની સિદ્ધિઓથી આગળ જવાની કોશિશ કરીએ છીએ. એનાથી આપણી ક્ષમતાના સીમાડા ખેંચાઇને આગળ વિસ્તરે છે અને આપણને આપણી વધેલી ક્ષમતાનો પરિચય થાય છે, આપણો આત્મવિશ્વાસ વધે છે.
ધારો કે જેણે કદી 42 કિલોમીટરની મેરેથોન દોડી જ ન હોય, એવી એક વ્યક્તિ મેરેથોનમાં ભાગ લે છે. અત્યાર સુધી જોવાયું છે કે મેરેથોન જીતનાર લગભગ સવા બે કલાકથી ઓછા સમયમાં મેરેથોન પૂરી કરતા હોય છે. પરંતુ પહેલી જ વાર મેરેથોનમાં ભાગ લેનાર આટલા ઓછા સમયમાં એ પૂરી કરી શકે એ લગભગ અસંભવ હોય છે, એ ખરું. પરંતુ મેરેથોન જીતવા ઉપરાંત 42 કિલોમીટરની એ રેસ પૂરી કરવી પણ એક સિદ્ધિ ગણાતી હોય છે. એટલે પહેલીવાર ભાગ લેતી વ્યક્તિ એ પાંચ-છ કલાકોમાં પણ જો પૂરી કરી શકે, તો પણ એ નોંધપાત્ર સિદ્ધિ ગણાતી હોય છે અને એ વ્યક્તિનો આત્મવિશ્વાસ અનેકગણો વધારી શકે છે.
એ જ રીતે, ધારો કે એ વ્યક્તિ પૂરા 42 કિલોમીટર ન દોડી શકી અને 20-25 કિલોમીટર બાદ એણે થાકીને અટકી જવું પડ્યું, તો પણ અત્યાર સુધી જે એકાદ-બે કિલોમીટર પણ દોડી ન હોય, એવી વ્યક્તિ 20-25 કિલોમીટર દોડી શકી એ પણ કંઇ નાનીસૂની વાત નથી હોતી. પોતાના શરીર અને મનોબળની આટલી ક્ષમતા છે એનો પરિચય મેરેથોન દોડવાનું લક્ષ્ય રાખ્યું ત્યારે જ થયો ને? જો મેરેથોન દોડી જ ન હોત, તો એકાદ-બે કિલોમીટરથી વિશેષ દોડવાની આપણી કેપેસિટી છે, એના વિશે આપણને ખબર જ ન પડી હોત…!
લક્ષ્ય રાખવાનો આ સૌથી મોટો ફાયદો છે.
એક વાર ગોલ સેટ થાય, એટલે આપણી બધી શક્તિઓને કેન્દ્રિત કરવાનું પ્રોત્સાહન મળે છે. આપણાં વેડફાઇ જતા પ્રયત્નોને એક ચોક્કસ દિશા મળે છે, જેનાથી આપણી સિદ્ધિઓની સંભાવનાઓ વિસ્તરે છે.
ઉપરાંત, ગોલ સાથે એક તારીખ નક્કી થયેલી હોય છે. એટલે અમુક દિવસોમાં જ એ લક્ષ્ય હાંસલ કરવાનું હોવાથી સમયનો બિનજરૂરી વેડફાટ અટકાવવાની પ્રેરણા પણ આપણને મળી શકે છે, જેનાથી સમયનો ઘણો વ્યય બચી જાય છે.
આ બધાં કારણોસર આપણે નાનાં-મોટાં લક્ષ્યો રાખીને એ મુજબ જ કામ કરવું જોઇએ.
લક્ષ્ય હાંસલ કરવાથી આપણને બીજું કંઇ મળે કે ન મળે, પરંતુ એ હાંસલ કરવાની કોશિશોમાં આપણે જે બની શકીએ છીએ, એ ઉપલબ્ધિ પણ બહુ જ મોટી હોય છે.