Close
સુરતમાં શ્રેષ્ઠ માર્કેટિંગ કન્સલ્ટન્ટ

તમારાં જીવનની ત્રણ સૌથી મહત્ત્વની પસંદગીઓ

જીવનમાં  ડગલે ને પગલે આપણને અનેક પસંદગીઓ કરવી પડતી હોય છે. અને જીવનના દરેક તબક્કે આપણે જે અસંખ્ય પસંદગીઓ કરી હોય છે, એના પરથી જ આપણું જીવન ઘડાતું હોય છે.
આવી અસંખ્ય પસંદગીઓમાંથી ત્રણ પસંદગીઓ સૌથી વધારે મહત્ત્વની હોય છે. આ ત્રણ પસંદગીઓની આપણા જીવનની આકૃતિના આકાર પર સૌથી વધારે અસર પડતી હોય છે. આ દરેક પસંદગી આપણા જીવનની સફળતા, નિષ્ફળતા અને અસરકારકતા નક્કી કરતી હોય છે. આવી સૌથી મહત્ત્વની પસંદગીઓ કઇ?
  1. રહેવાનાં સ્થળની પસંદગી
દરેક સ્થળની એમાં રહેનારના જીવન પર ચોક્કસ અસર થતી હોય છે. એ સ્થળમાં કંઇક સારું હોય છે, કંઇક નથી હોતું. એની કંઇક ખાસિયતો હોય છે અને એમાં કંઇક ઉણપો પણ હોય છે. આપણા જીવન વિશે આપણે ધારેલાં સપનાંઓને અનુરૂપ આકાશ મળે, તો જ આપણે જીવનનો ઇચ્છિત વ્યાપ વિસ્તારી શકીએ.
આજના ટેકનોલોજી, ઇન્ટરનેટ અને મોબાઇલના યુગમાં આખું વિશ્વ એકબીજાથી જોડાયેલું છે, તેમ છતાં પણ આપણે જ્યાં રહેતા હોઇએ છીએ, એ સ્થળની ભૂગોળ આપણા વિચારો પર અને આપણી શક્તિઓના વિકાસ પર નક્કર અસર કરતી જ હોય છે. આપણા જીવનની અસરકારકતા નક્કી કરવામાં આપણું રહેવાનું સ્થળ બહુ મોટો ભાગ ભજવતું હોય છે. આ પસંદગી બહુ કાળજીપૂર્વક કરવી જરૂરી છે.
  1. કારકિર્દીની પસંદગી
આપણા જીવનમાં સફળતા, સંતોષ અને સુખની માત્રાઓ આપણા કામથી જ નિર્ધારિત થતી હોય છે. આ જગતને આપણા કામ દ્વારા કંઇક આપીને જઇશું, કંઇક સર્જન કરીશું કે માત્ર જલસા કરીને જગતના રીસોર્સીસ વાપરીને જતાં રહીશું એ બધું કારકિર્દીની આપણી પસંદગી પર આધારિત હોય છે.  માત્ર જોબ સિક્યોરિટી માટે, આપણને કોઇક વિષયમાં વધારે માર્કસ આવ્યા છે એ માટે, બીજા કોઇકની સફળતા જોઇને કે અત્યારે જેની બહુ ડિમાન્ડ છે, જેમાં બહુ પૈસા મળી શકે એમ છે એવી આશાને કારણે આપણને ગમતી ન હોય એવી  લાઇન પસંદ કરીને એમાં આગળ વધવાની કોશિશ કરીએ, તો એમાં સફળતાનાં ચાન્સીસ બહુ ઓછા હોય છે.  કદાચ આર્થિક સફળતા મળી જાય તો પણ એમાંથી સુખ અને સંતોષ દુર્લભ હોય છે.
આપણી પોતાની શક્તિઓ, આવડતો, ક્ષમતાઓ જેમાં ખીલી ઊઠે અને જે કામ કરવામાં આપણને ઘડિયાળ કે કેલેન્ડરનું પણ ધ્યાન ન રહે, એવી કેરિયર પસંદ કરીએ, તો એમાં ખૂબ સફળ થઇ શકીએ.
  1. જીવનસાથીની પસંદગી
એકલાં જીવવાનો ક્યારેક થાક લાગે છે. જીવનયાત્રામાં કોઇકનો સ્નેહસભર સથવારો મળે, તો એ મજલ સુખ-શાંતિથી કપાઇ જાય. કોઇક સહૃદયી સાથે ચાલનારું મળે, તો એકલાં ચાલી શકાય એના કરતાં અનેકગણી લાંબી મજલ ખૂબ ઝડપથી અને ઉત્સાહથી કપાઇ જાય. પરંતુ આ હમસફરની પસંદગી જો ખોટી થઇ જાય, તો એ સથવારો જ બોજ બની જાય, આપણા કદમોને રોકી રાખનાર બેડી બની જાય, આપણાં સપનાંને છિન્નભિન્ન કરી નાખનારું તોફાન બની જાય. એ કારણે, આપણે કઇ વ્યક્તિ સાથે જીવન પસાર કરવા માગીએ છીએ એની પસંદગીમાં ઉતાવળ ન થાય એ જોવું ખૂબ જરૂરી છે. જીવનયાત્રામાં સાથે ચાલનાર બન્ને સહયાત્રીઓ એકબીજાના પૂરક હોય, એ સંબંધથી બન્નેનો સંપૂર્ણ વિકાસ થાય એ ખૂબ જરૂરી હોય છે. ઘણી વાર શારીરિક આકર્ષણ, દેખાવ, પૈસા, પ્રતિષ્ઠા કે સામાજિક પરિબળોને આધારે જીવનસાથીની પસંદગી કરાતી હોય છે. પરંતુ બન્નેના સ્વભાવ, વિચારસરણી અને મહત્ત્વાકાંક્ષાઓ એકબીજાને અનુરૂપ ન હોવાથી આવી ગોઠવણો સુંદર સહજીવનનું સર્જન કરવામાં નિષ્ફળ જાય છે અને બન્ને વ્યક્તિઓ એકબીજાની પૂરક બનવાને બદલે પ્રતિસ્પર્ધક બની જાય છે. જીવન દરરોજનો જંગ થઇ જાય છે. આવું જીવન સુખ-સમૃદ્ધિ-શાંતિ ક્યાંથી સર્જી શકે?
માટે,  પરસ્પર પ્રેમ, આદર અને વિશ્વાસ હોય એવા જીવનસાથીની પસંદગી થાય, એ અત્યંત આવશ્યક છે.
આપણા જીવનમાં હજી આમાંથી જે પસંદગીઓ કરવાની બાકી હોય એ કરવામાં ધ્યાન રાખીએ અને આપણા સંતાનોને આ ત્રણ અતિ મહત્ત્વની પસંદગીઓ કરવાનું માર્ગદર્શન આપીએ, તો ઘણી જિંદગીઓ સુંદરતમ બની જશે.

Leave a Reply