Close
સુરતમાં બિઝનેસ કન્સલ્ટન્સી સેવાઓ

એમેઝોન પાસેથી શીખવા જેવું: ધંધાની સફળતા માટે કંઇ પણ કરી છૂટો…

એમેઝોનની શરૂઆતના દિવસોની વાત છે. એમેઝોનની શરૂઆતમાં એ કંપની માત્ર બુક્સ વેચતી. પણ હમણાં જેટલું વિશાળ કલેક્શન એની પાસે નહોતું અને તેઓ પોતાની સાઇટ પર બતાવેલી હોય એવી બધી બુક્સ સ્ટોકમાં પણ નહોતા રાખતા.
એ વખતે વેબસાઇટ પર કોઇ કસ્ટમર બુક ઓર્ડર કરે, તો એમેઝોન કસ્ટમરને ૪-૫ દિવસ પછી ડિલિવરી મોકલવાનું પ્રોમિસ કરે. પોતાની પાસે તો એમાંની બધી બુક સ્ટોકમાં હોય નહીં, એટલે એમેઝોન એ બુક ડિસ્ટ્રીબ્યુટર પાસેથી મગાવે અને જે બુક આવે એ કસ્ટમરને મોકલી આપે.
પણ આ જેટલું લાગે છે એટલું સહેલું નહોતું. કસ્ટમરોના, આવી એમેઝોન પાસે સ્ટોકમાં ન હોય એવી બુક્સના ઓર્ડર દિવસમાં બે-ત્રણ બુક્સના હોય, પણ ડિસ્ટ્રીબ્યુટરની એવી શરત હતી કે એક સાથે ઓછામાં ઓછી ૧૦ બુકનો ઓર્ડર હોય, તો જ એ બુક્સ એમેઝોનને મોકલે.
એમેઝોનને ડિસ્ટ્રીબ્યુટર પાસેથી મંગાવવા માટે પોતાની પાસે આવેલ ઓર્ડર સિવાય આવી વધારાની બીજી કોઇ બુક્સની જરૂર નહોતી. શું કરવું?
આ સમસ્યાનો એમેઝોને એક અનોખો ઉપાય શોધી કાઢ્યો. એમણે અમુક એવી બુક્સનાં નામ શોધી કાઢ્યાં કે જે ડિસ્ટ્રીબ્યુટર પાસે પણ ન હોય, આઉટ-ઓફ-સ્ટોક હોય, અને આવી બુક્સના ઓર્ડર એ બુક્સના ડિસ્ટ્રીબ્યુટરને અપાતા પોતાના ઓર્ડરમાં ઉમેરી દેતા.
ધારો કે એમેઝોનને બે જ બુક્સની જરૂર છે. તો બાકીની આઠ બુકનો ઓર્ડર એ પેલી આઉટ-ઓફ-સ્ટોક બુક્સનો આપી દેતા. એટલે ટેકનીકલી ઓછામાં ઓછી દસ બુક્સના ઓર્ડરની ડિસ્ટ્રીબ્યુટરની શરત પળાઇ જતી. ડિસ્ટ્રીબ્યુટરને ઓછામાં ઓછી દસ બુક્સનો ઓર્ડર જોઇએ. એમાંની બધી બુક્સની ડિલિવરી ન થાય, તો પણ ચાલે. પોતાની પાસે, ઓર્ડરમાંની દસ બુકમાંથી આઠનો સ્ટોક જ ન હોવાથી એ બુક્સ પોતાની પાસે ન હોવાની દિલગીરી વ્યક્ત કરીને ડિસ્ટ્રીબ્યુટર બે બુક્સ એમેઝોનને મોકલી આપે. એમેઝોનને તો આટલું જ જોઇતું હતું…! ઘણા મહિનાઓ સુધી આ ચાલતું રહ્યું.
આ રીતે શરૂઆતના દિવસોમાં એમેઝોને દરેક બુક મેળવી આપવાની પોતાની આબરૂ બનાવી અને જાળવી રાખી. જો એમેઝોને આ અનોખી યુક્તિ અજમાવી ન હોત, તો શરૂઆતમાં જ કસ્ટમરોને સેવા આપવામાં એ નિષ્ફળ જાત અને જો એવું થાત તો એમેઝોન અત્યારે જે સ્તર પર પહોંચી છે, ત્યાં કદી પહોંચી જ ન શક્ત.
એમેઝોન પાસેથી ઘણું શીખવા જેવું છે. સફળ ધંધાર્થીઓ પોતાના ધંધા માટે અનૈતિક કે ગેરકાયદેસર ન હોય એવું બધું જ કરીને પણ ધંધાને સફળ બનાવતા હોય છે. એમેઝોનનો આ મહત્ત્વનો પાઠ પણ આપણે યાદ રાખવા જેવો છે.

વધુ માહિતી માટે અહીં ક્લીક કરો: https://bit.ly/3jZCnqs

Leave a Reply