મારું જન્મ સ્થળ માંડવી (કચ્છ) છે. હા, દાબેલી (ડબલરોટી) અને મારું જન્મ સ્થાન એક જ છે, અરબી સમુદ્રના કિનારે વસેલું એક નાનકડું, સુંદર, શાંત નગર, જે દાબેલી ઉપરાંત હવે વિંડ ફાર્મ માટે પણ જાણીતું થયું છે.
હું નાનો હતો ત્યારે અમારા માંડવીમાં બે જાણીતા દાબેલીવાળા હતા. દાબેલી બનાવવાની બંનેની આગવી પદ્ધતિ હતી. બંનેની દાબેલીનો સ્વાદ જુદો હતો, પણ ખાનારા ને ગમે એવો. એટલે જ એ બંને દાબેલીવાળા માંડવીમાં બહુ જ ફેમસ હતા.
બંને દરરોજ સવારે પોતાના નિયત સમયે પોતાની રેંકડી પોતાની નિયત જગ્યાએ ઊભી રાખે. સાંજે પણ બંનેના સ્થળ – સમય સવાર કરતાં સાવ અલગ. બંનેની રેંકડી પર કોઈ બોર્ડ નહીં, કોઈ નામ નહીં. આપણે જેને માર્કેટિંગ અને બ્રાંડિંગ તરીકે જાણીએ છીએ એવો કોઈ પ્રયાસ નહીં. છતાં પણ માંડવીના એમના ચાહકોને સવારે અને સાંજે સમયસર દાબેલી ખાવાની ભૂખ લાગી જ જાય. ગ્રાહકો એમની રેંકડીએ પહોંચી જ જાય. સવારે અને સાંજે બંનેના થાળ ખાલી થઈ જ જાય અને એ લોકો બનાવેલો સ્ટોક વેંચીને પાછા પોતાના ઘરે જતા રહે. એમને પોતાની દાબેલી વેંચવા કોઈ માર્કેટિંગ – બ્રાંડિંગ કરવું પડતું નહીં.
લોકોના મોઢામાં એમની દાબેલીનો સ્વાદ ગોઠવાઈ ગયેલો. ગ્રાહકોના મનપ્રદેશમાં એમની દાબેલી માટે એક કાયમી જગ્યા ઊભી થઈ ગયેલી. બીજા અનેક દાબેલીવાળા આવતા રહ્યા. તેઓ નવી નવી વેરાયટી લાવતા, પોતાની લારીઓ સજાવતા, મોટા બોર્ડ લગાવતા. વોલ પેઇન્ટિંગ, છાપામાં જાહેરાતો અને બીજું માર્કેટિંગ પણ કરતા. પરંતુ આ બંનેને એનાથી કોઈ ફરક નહોતો પડતો.
સાચું બ્રાંડિંગ આ જ છે. આપણા બોર્ડ પર, આપણી વેબસાઈટ પર કે આપણા પેકેજીંગ પર આપણું નામ કે લોગો હોય કે નહીં એનાથી બહુ ફરક નથી પડતો. ગ્રાહકોના દિલો- દિમાગ પર જો આપણી પ્રોડક્ટ છવાઈ જાય, તો પછી આપણી બ્રાંડ કોઈ હલાવી નથી શકતું.
પણ એને માટે એ પ્રોડક્ટ મજબૂત હોવી જોઇએ.
દરેક ગામ, નગરમાં આવા કોઈકને કોઈક ખાસ વાનગીઓ બનાવવાવાળા હોય જ છે. એમની પ્રોડક્ટ જ એમનું માર્કેટિંગ અને બ્રાંડિંગ હોય છે. અને એટલે જ કોઈ દેખીતા પ્રયત્નો વગર પણ તેઓ ખૂબ લોકપ્રિય અને સફળ હોય છે.
એમની સફળતા જોઈને બીજા ઘણા એમના જેવું કરવા ધારે છે, પણ પોતાની પ્રોડક્ટ પર ધ્યાન ન આપી શકવાને કારણે બહુ સફળ નથી થઈ શકતા.
માટે, બ્રાંડ બનાવવી છે? તો તમારી પ્રોડક્ટ કે સર્વિસ પર ખાસ ધ્યાન આપો.
– સંજય શાહ
વધુ માહિતી માટે અહીં ક્લીક કરો: https://bit.ly/3lUkbRp