હાલમાં સોશિયલ મિડિયા ખૂબ પ્રચલિત થયું છે. વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ, ફેસબૂક કે બીજી કોઇ એવી જગ્યાએ આપણા મિત્ર કે કોઇ સ્નેહી-સગાની કોઇ પાર્ટીની ગ્રુપ સેલ્ફી જોઇને એ લોકો લાઇફને કેટલી એન્જોય કરે છે અને આપણે પાછળ રહી ગયા એવી ફીલીંગ આપણને થવા મંડે, આપણે પોતાની જાતને ગરીબ મહેસૂસ કરવા માંડીએ એ શક્ય છે. પણ બધાંય ગાલ પરની ગુલાબી નેચરલ હોય, એ જરૂરી નથી. તમાચો મારીને રખાયેલા લાલ ગાલને જોઇને આપણે એના જેવા ગુલાબી ગાલ કરાવવા આંધળુકિયાં કરીએ, ઉધારની ખુશી ઘરમાં લઇ આવીએ અને પછી એના હપ્તા ચૂકવવાનું સ્ટ્રેસ થાય, એવી ઉધારી લેવી જ શું કામ જોઇએ?
આપણી પાસે જેટલા પૈસા હોય, એની અંદર જ આપણી લાઇફ-સ્ટાઇલ ગોઠવવી બહુ જરૂરી છે. ક્રેડિટ કાર્ડ અને લોન આપવા માટે આપણને ફોન આવતા હોય, અને આપણે એ સરળ પૈસાની લાલચમાં માત્ર જલસા કરવા માટે આવા ઉધારના પૈસા લઇ લઇએ, તો પાછળથી એ ચૂકવવામાં ખૂબ મુશ્કેલી પડે છે. સોશિયલ મિડિયા પર પબ્લીક લાઇક, શેર અને કોમેન્ટ્સ આપશે તો પણ, એના માટે લીધેલ ઉધારીના પૈસા આપણે જ ચૂકવવા પડશે, એ વાત હંમેશાં યાદ રાખો.
એટલે, આપણી ચાદર હોય, એટલા જ પગ ફેલાવવાનું શિસ્ત રાખવું હિતાવહ છે. “લોન પર ફોન” કે “સસ્તા વ્યાજ દરે ફલાણું” લેવાના ચક્કરમાં આપણી લાયેબીલીટી વધે નહીં એ ધ્યાન રાખો.
વ્યાજનું વજન ઊંચકવું ખૂબ ભારે પડતું હોય છે. એના કરતાં આપણી શક્તિ અનુસાર ખર્ચ કરવો સારું. અને એના માટે દેખાદેખીથી દૂર રહેવું જરૂરી છે. કોઇકના ઘરે સ્માર્ટ ટી.વી. આવ્યું કે કોઇ ફોરેન ટૂર પર જઇ આવ્યું કે કોઇકે ગાડી લીધી એને જોઇને આપણે એના જેવા સદ્ધર દેખાવાના સપના જોવાને બદલે આપણી પરિસ્થિતિને મજબૂત કરવાની કોશિશ કરવી જોઇએ.
મનની શાંતિ માટે અને સાચી ખુશી માટે આ નાણાકીય શિસ્ત ખાસ વિકસાવવા જેવું છે.
વધુ માહિતી માટે અહીં ક્લીક કરો: https://bit.ly/3lXzVDu
ખુબ જ સરસ વાત આપે કહી પરંતુ અમલ કોઈ કરતા નથી. ટીપે ટીપે સરોવર ખાલી થાય.
Kaik navu sikhvama