Close
Sanjay Shah, SME Business Coach

સંઘર્ષ એટલે એક અદ્રશ્ય આશીર્વાદ

બિઝનેસ અને જીવનના ક્ષેત્રમાં લોકોની કરિયરનો અભ્યાસ કરીએ તો સમજાય છે કે અસલ તેજ તો એ જ રત્નોમાં હોય છે જે સમયના ઘર્ષણમાંથી પસાર થયા હોય. જેમના જીવનના પાયામાં સંઘર્ષની તપી ગયેલી ઈંટો મુકાઈ હોય, તેઓ ખરેખર ભાગ્યશાળી હોય છે. દુનિયા ભલે ઝળહળતી ઈમારતની પ્રશંસા કરે, પણ તેની મજબૂતી તો જમીનની નીચે દટાયેલા એ પથ્થરો પર નિર્ભર છે જેમણે વર્ષો સુધી અંધકાર અને દબાણ સહન કર્યું હોય છે.
ઘણાં ખૂબ સફળ ધંધાર્થીઓની જીવનયાત્રાને નજીકથી જોઇને એટલું સમજાયું છે કે જેમ કોલસાનો ટુકડો અસહ્ય દબાણ અને ગરમી વેઠીને ‘હીરો’ બને છે, તેમ જીવનના પડકારો સામાન્ય માનવીને ‘લીડર’ બનાવે છે. બીજી તરફ જે ધંધાર્થીઓએ ક્યારેય મંદીના મોજાં નથી જોયાં, તેઓ સફળતાના ભરતી-ઓટને ક્યારેય કુશળતાપૂર્વક સંભાળી શકતા નથી. જે પોલાદ ભઠ્ઠીમાં તપે છે, તે જ ધારદાર તલવાર બની શકે છે. ખરેખર તો આપણે આપણી મુશ્કેલીઓ પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ રાખવો જોઇે, કારણ કે તે એક એવું રોકાણ છે જે આપણને માત્ર વ્યાપાર જ નહીં, પણ ‘વ્યવહાર’નું અમૂલ્ય બોનસ પણ આપે છે.
બિઝનેસ જગતમાં એક જાણીતી ઉક્તિ છે: “સફળતા ક્યારેય માલિકીની હોતી નથી, તે તો માત્ર ભાડાપટ્ટે મળે છે.” અને આ ભાડું એટલે ભૂતકાળમાં વેઠેલો પરિશ્રમ અને વર્તમાનનો નિત્ય પુરુષાર્થ. બિઝનેસની ઈમારત કાગળની નોટોથી ઊંચી તો થઈ શકે, પરંતુ તેને સ્થિરતા તો અનુભવના એ  પથ્થરો જ આપે છે જે સંઘર્ષના સમયે કંડારાયા હોય.
જો આજે તમારા માર્ગમાં કાંટા હોય, તો સમજજો કે કુદરત તમારા વ્યક્તિત્વનું ઘડતર કરી રહી છે. પાયો જેટલો ઊંડો અને મજબૂત હશે, સફળતાનો કળશ એટલો જ ઊંચો જશે. મુશ્કેલીઓ આપણા અહંકારને ઓગાળીને આપણને વધુ સક્ષમ બનાવે છે, અને એ માટે આપણે સદાય પ્રતિકૂળતાઓનો ઋણી રહેવું જોઈએ.

Leave a Reply