Close
Sanjay Shah, SME Business Coach

સ્થિર નેતૃત્વ, સક્ષમ ટીમ: બિઝનેસ લીડરશીપમાં પ્રેડિક્ટેબિલિટીની તાકાત

કલ્પના કરો કે તમે એક અત્યંત ભીડવાળા વ્યસ્ત રસ્તા પર ચાલી રહ્યા છો…
સમય ઓછો છે અને તમને ઉતાવળ છે. તમારી બરાબર આગળ એક વ્યક્તિ ચાલી રહી છે. તમે સ્વાભાવિક રીતે જ જમણી બાજુથી એમને ઓવરટેક કરીને આગળ વધવાનો પ્રયાસ કરો છો, ત્યાં જ અચાનક પેલી વ્યક્તિ પણ જમણી તરફ ફંટાય છે. તમારો રસ્તો રોકાય છે.
તમે ધીરજ રાખીને ફરીથી ડાબી બાજુથી નીકળવાની કોશિશ કરો છો, પણ કમનસીબે એ વ્યક્તિનું વલણ ફરી બદલાય છે અને એ પણ ડાબી તરફ વળે છે. તમારા માટે આગળ વધવાની તમામ શક્યતાઓ ધૂંધળી થતી જણાય છે, એટલે તમે નાછૂટકે એમની પાછળ ધીમા ડગલે એમની ઝડપ સાથે તાલમેલ મિલાવીને ચાલવાનું પસંદ કરો છો. પણ ત્યાં તો વળી પાછું નવું નાટક! અચાનક એમની ગતિ ઘટી જાય છે, તમારે સ્પીડમાં બ્રેક મારવી પડે છે; અને જેવી તમારી ગતિ ધીમી પડે કે તરત જ એ વ્યક્તિ ફરી પૂરપાટ વેગે ચાલવા માંડે છે…! આપણને દરેકને આવી ભમતી નડતરનો અનુભવ ક્યારેક તો થયો જ હોય છે…
આગળ ચાલતી વ્યક્તિની આવી અનિયમિત, અણધારી અને અસ્થિર વર્તણૂક તમારા મનમાં કેટલી અકળામણ જન્માવશે? તમારા મનમાં એક જ પ્રશ્ન ઘૂમરાયા કરશે કે આ રસ્તો ક્યારે પૂરો થાય અથવા ક્યારે આ વ્યક્તિ પોતાના રસ્તે પહોંચી જાય અને મારો માર્ગ મોકળો કરે…! અંતે, કંટાળીને તમે તમારી દિશા બદલી નાખશો અથવા તો બીજા કોઈ વૈકલ્પિક માર્ગની શોધ કરશો.
કોર્પોરેટ જગતમાં બિઝનેસ લીડરશીપનું ગણિત પણ કંઈક આવું જ છે.
એક લીડર તરીકે જો તમારું વર્તન અને નિર્ણયો લોલકની જેમ સતત બદલતા રહે, જો તમારી કાર્યશૈલી અને ગતિમાં વારંવાર અણધાર્યા ‘સ્પીડ-બ્રેકર્સ’ આવ્યા કરે, તો તેની સીધી અસર તમારી ટીમ પર પડે છે. જ્યારે તમારા નેતૃત્વમાં સ્થિરતાનો અભાવ હોય છે, ત્યારે ટીમ મેમ્બર્સ માટે ભવિષ્યનું આકલન કરવું મુશ્કેલ બની જાય છે.
જ્યારે કોઈ ટીમ મેમ્બરને એવો અહેસાસ થાય છે કે અહીં આગામી પગલું શું હશે તેનું કોઈ અનુમાન નથી, કે પછી પોતાની કારકિર્દીનો ગ્રાફ કઈ દિશામાં જશે તે અનિશ્ચિત છે, ત્યારે તે હતાશા અનુભવે છે. ખાસ કરીને જે લોકો મહત્ત્વાકાંક્ષી છે, જેઓ જીવનમાં ઝડપથી આગળ વધવા માગે છે, તેઓ આવા અનિશ્ચિત વાતાવરણમાં ગૂંગળામણ અનુભવે છે. પરિણામે, તેઓ તમારા બિઝનેસની બસમાંથી ઉતરીને, બીજી કોઈ એવી જગ્યાએ જવાનું પસંદ કરે છે જ્યાં તેમને સ્પષ્ટ દિશા અને મોકળો માર્ગ મળી રહે.
આવી પરિસ્થિતિમાં સરવાળે નુકસાન તો આપણી કંપનીને જ થાય છે. પ્રતિભાશાળી લોકોના જવાથી આપણી ટીમ પાંગળી અને નબળી બનતી જાય છે.
સારાંશ:
સફળ નેતૃત્વની નિશાની એ છે કે તમારી લીડરશીપ સ્ટાઇલ પૂર્વાનુમાનિત એટલે કે પ્રેડિક્ટેબલ હોવી જોઈએ. તેનો અર્થ એ નથી કે તમે જડ બનો, પણ તમારા બધા નિર્ણયોમાં એક સુસંગતતા (Consistency) હોવી અનિવાર્ય છે. જ્યારે ટીમને અણગમતા આંચકાઓ ઓછા લાગે છે અને દિશા સ્પષ્ટ દેખાય છે, ત્યારે તેઓ સંપૂર્ણ વિશ્વાસ અને સ્થિર મનથી કામ કરી શકે છે.
યાદ રાખો, ટીમ ત્યારે જ કંપનીના વિકાસમાં સર્વશ્રેષ્ઠ યોગદાન આપી શકે છે, જ્યારે તેનો સારથી સતત રસ્તો બદલવાને બદલે રસ્તો બતાવવામાં માહેર હોય!

Leave a Reply