“સ્કેલિંગ-અપ”: ધંધાર્થીની આંતરિક સાધનાનું પરિણામ
જ્યારે કોઈ ધંધો સામાન્ય સીમાડાઓ ઓળંગીને અસાધારણ સફળતાના શિખરો સર કરે છે, ત્યારે તેની પાછળ માત્ર જબરદસ્ત સ્ટ્રેટેજીનું દિમાગ જ નથી હોતું, પણ તેના સૂત્રધારના વ્યક્તિત્વની સુગંધ પણ સામેલ હોય છે. સ્કેલિંગ-અપ એ માત્ર આંકડાકીય વૃદ્ધિ નથી હોતી, પરંતુ તેના લીડરના વ્યક્તિત્વનું વિસ્તરણ પણ હોય જ છે.
કોઈપણ ધંધાને નેક્ષ્ટ લેવલ પર લઈ જનાર લીડરમાં અમુક ચોક્ક્સ ગુણો જોવા મળે છેઃ
૧. અતુટ શિસ્ત અને કાર્યનિષ્ઠા
સફળ બિઝનેસ લીડર માટે શિસ્ત એ જીવનશૈલી હોય છે. તેઓ હંમેશા કામ પર સૌથી વહેલા પહોંચી અને મોડે સુધી વ્યસ્ત રહીને એક આદર્શ ઉદાહરણ પૂરું પાડે છે. દરેક સફળ ધંધાર્થી તેમની કંપનીના કોઇ પણ કર્મચારી કરતાં વધારે સમય કામ કરતા હોય છે. માત્ર આદેશ આપવાને બદલે પોતે સક્રિય રહીને પોતાના આચરણ મારફતે તેઓ ટીમ માટે પ્રેરણાનું સ્ત્રોત બને છે.
૨. ધંધા પ્રત્યેની ધગશ
જ્યારે કામમાં આંતરિક ધગશ ભળે છે, ત્યારે ધંધો માત્ર આજીવિકાનું સાધન મટીને એક ‘પેશન’ બની જાય છે. સફળ લીડર માટે તેનો બિઝનેસ માત્ર નફો કરવાનું યંત્ર નથી હોતું, પણ તેના વ્યક્તિત્વની અભિવ્યક્તિ હોય છે. આ ધગશ જ તેને મુશ્કેલ સમયમાં થાક્યા વગર લડવાની શક્તિ આપે છે.
૩. ટીમ મેમ્બરો પ્રત્યે કૃતજ્ઞતા
સફળ ધંધાર્થી પોતાના સ્ટાફને માત્ર કર્મચારી નહીં, પણ વિકાસયાત્રાના સહયાત્રી માને છે. ટીમના પરિશ્રમની કદર કરવી અને તેમના નાનામાં નાના સહયોગ બદલ આભાર માનવાની તેમની સહજતા ટીમમાં વફાદારી અને ઉત્સાહનો સંચાર કરે છે.
૪. અપેક્ષા કરતાં કંઈક વિશેષ આપવું
ગ્રાહકની અપેક્ષાની વાડને ઓળંગીને થોડુંક વધારે આપવાની આદત જ એમની બ્રાન્ડને મહાન બનાવે છે. આ વધારાનું મૂલ્ય – વેલ્યૂ એડીશન – જ માર્કેટમાં સ્પર્ધકો વચ્ચે તેમને તેજસ્વી તારાની જેમ અલગ તારવે છે.
૫. સક્રિય ફોલો-અપ
મોટા જહાજને ચલાવતી વખતે નાનકડું છિદ્ર પણ જોખમી બની શકે. આ સત્યને સમજીને તેઓ આળસ કે વિલંબ સામે સક્રિય ફોલો-અપનું સુરક્ષાકવચ ધારણ કરે છે. તેઓ કોઇ પણ કામ કે પ્રોજેક્ટના અમલીકરણની ડિટેલમાં ઊંડા ઉતરે છે જેથી કોઈ પણ કામ અધૂરું ન રહે અને એ કામ સમયસર સંપન્ન થાય.
૬. નફા પ્રત્યે માનવીય અભિગમ
ધંધાના વિકાસમાં આર્થિક નફો જરૂરી છે, પણ સફળ ધંધાર્થી નફા-નુકસાનના સરવૈયામાં ગ્રાહકના સંતોષ અને સ્મિતને આર્થિક નફાની લગોલગ જ રાખે છે. લાંબાગાળાનું સ્કેલિંગ ગ્રાહકના વિશ્વાસ પર જ ટકેલું હોય છે.
૭. દીર્ઘદ્રષ્ટિ અને જોખમ લેવાની તૈયારી
સ્કેલિંગ-અપ માટે વર્તમાનના કમ્ફર્ટ ઝોનને છોડીને અજાણ્યા ભવિષ્યમાં ડગ માંડવાની હિંમત જોઈએ. એક સફળ ધંધાર્થી આવનારા સમયના વર્તારાઓને આજે જોઈ શકે છે અને એ વિઝનને સાકાર કરવા માટે ગણતરીપૂર્વકનું જોખમ લેતાં ડરતા નથી.
૮. પરિવર્તનશીલતા અને અનુકૂલન
ધંધાની વાસ્તવિકતાઓ બદલતી રહે છે, તેથી આગળ વધવા માટે સંજોગો મુજબ ધંધાર્થીએ પણ બદલાવું જરૂરી હોય છે. નિષ્ફળતાને ‘ડેડ-એન્ડ’ માનવાને બદલે તેને શીખવાની પ્રક્રિયા ગણીને ફરી બેઠા થવાની અને પોતાની સ્ટ્રેટેજીમાં જરૂરત અનુસાર બદલાવ લાવવાની ક્ષમતા જ સ્કેલિંગનું અસલી ઈંધણ હોય છે.
આ આઠ સૂત્રો સફળ ધંધાર્થીની કાર્યશૈલીમાં વણાઈ ગયેલાં હોય છે, જેને કારણે તેમનો નાનકડો ધંધો વિરાટ વટવૃક્ષ બની જતો હોય છે. શ્રેષ્ઠતા અને અતૂટ સમર્પણની પરાકાષ્ઠા એમની સફળતામાં પરિવર્તિત થતી હોય છે.
