Close

વિઝનરી ધંધાર્થી: સંઘર્ષ નહીં, સમજાવટ

જે સાહસિકો પ્રણાલિકાગત ચીલાથી હટીને કશુંક ‘ડિસ્રપ્ટિવ’ (ક્રાંતિકારી) સર્જવાની મહેચ્છા રાખે છે, તેમની સફળતાની રાહ ક્યારેય નિષ્કંટક નથી હોતી.
જ્યારે પણ કોઈ નવતર બિઝનેસ મોડેલ આકાર લે છે, ત્યારે તેને કાળગ્રસ્ત અને જડ થઈ ગયેલી કાયદાકીય વ્યવસ્થાઓનું સ્પીડબ્રેકર નડતું જ હોય છે. આ ટકરાવ અનિવાર્ય હોય છે. આધુનિક આવિષ્કારો અને પુરાતન વિચારસરણી કે ધારાધોરણો વચ્ચેની આ વિસંગતતા એક કડવું પણ વાસ્તવિક સત્ય છે.
અહીં જ એક સાચા અને દીર્ઘદ્રષ્ટા ધંધાર્થીની કસોટી થાય છે. તેઓ આવી પરિસ્થિતિઓમાંથી બહુ કુનેહપૂર્વક માર્ગ કાઢતા દેખાય છે. તેઓ વ્યવસ્થાતંત્રની ટીકા કરવામાં કે ફરિયાદોના રોદણાં રોવામાં પોતાની શક્તિ વેડફતા નથી. તેના બદલે, ‘સ્ટેકહોલ્ડર મેનેજમેન્ટ’ને એક અનિવાર્ય પ્રક્રિયા તરીકે સ્વીકારીને એનો અમલ કરવા પાછળ મહેનત કરે છે. છે. સરકારી તંત્ર, કાયદા ઘડનારાઓ અને સમાજને પોતાની નવીન વિચારધારા સમજાવવી અને તેમને શિક્ષિત કરવા – આ જહેમતને તેઓ ‘વ્યવસાયિક ખર્ચ’ (Business Cost)નો જ એક હિસ્સો ગણે છે.
જેમ ઉત્પાદન, માર્કેટિંગ કે સંશોધન (R&D) માટે બજેટ ફાળવવામાં આવે છે, તેમ સિસ્ટમને અનુકૂળ બનાવવા માટે થતા સમય અને સંસાધનોના વપરાશને પણ તેઓ અગાઉથી જ પોતાના પ્રોજેક્ટના ‘કોસ્ટિંગ’માં વણી લે છે. વ્યવસ્થા સામે લડવાને બદલે વ્યવસ્થાને કેળવીને, પોતાની વાત ગળે ઉતારીને જેઓ આગળ વધે છે, તે સાહસિકો જ બજાર પર રાજ કરતા જોવા મળતા હોય છે.

Leave a Reply