આપણે સૌ માહિતી અને મનોરંજનના એક એવા મહાસાગરમાં આવી પહોંચ્યા છીએ, જેની કોઈ સીમા નથી. ઇન્ટરનેટના અફાટ વિશ્વમાં સોશિયલ મીડિયા, પોડકાસ્ટ, વેબસાઇટ્સ અને બ્લોગ્સના અસંખ્ય ટાપુઓ આપણને પોતાની તરફ સતત લલચાવી રહ્યા છે. કોઈ એક જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (પછી એ વોટ્સએપ, ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક કે યુ-ટ્યુબ હોય) આપણને કલાકો સુધી પોતાની માયાજાળમાં જકડી રાખવા સક્ષમ છે. આપણી સાથે રોજ એવું બને છે કે કોઈ જરૂરી કામ માટે ફોન હાથમાં લઈએ, એપ ખોલીએ અને પછી સ્ક્રોલિંગની અતલ ગર્તામાં એવા ખોવાઈ જઈએ કે મૂળ કામ જ વિસરાઈ જાય.
વોટ્સએપના અસંખ્ય ગ્રુપ્સમાં આવતી દુનિયાભરની માહિતીના ઢગલા અને બિનજરૂરી ચર્ચાઓ પાછળ કલાકો વેડફી નાખ્યા પછી મનમાં જે પસ્તાવાનો ડંખ અનુભવાય છે, એ આપણામાંથી મોટાભાગના લોકો માટે એક જાણીતો અનુભવ છે.
નેટફ્લીક્સ, એમેઝોન પ્રાઇમ કે અન્ય કોઈ OTT એપ શરૂ કરતાં જ વિકલ્પોની એવી ભૂલભૂલામણી આપણી સામે રચાય છે કે આપણે દિવસો અને મહિનાઓ સુધી ‘બિન્જ-વોચિંગ’ના ચક્રવ્યૂહમાં ફસાઇ જઇએ છીએ.
આ બરાબર એવું છે, જાણે કોઈ ભવ્ય બુફેમાં આપણે શરૂઆતની બે-ચાર સામાન્ય વાનગીઓ વધુ પડતી આરોગી લઈએ અને પછી ખબર પડે કે આખા ભોજન સમારંભની સૌથી ઉત્તમ અને આપણી મનપસંદ વાનગી માટે તો પેટમાં જગ્યા જ બચી નથી! આજે કંઇક આવું જ આપણા મન અને મસ્તિષ્ક સાથે નથી થઇ રહ્યું? આપણે સામાન્ય અને બિનજરૂરી કન્ટેન્ટનો એટલો વપરાશ કરી લઈએ છીએ કે ખરેખર મહત્ત્વપૂર્ણ અને જીવન-ઉપયોગી જ્ઞાન અને કામ માટે આપણી માનસિક ક્ષમતા જ બચતી નથી.
આપણા ધ્યાનને વેરવિખેર કરી નાખનારા સાધનોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. અને હવે તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો જાદુઈ ચિરાગ દરેકના ફોન અને લેપટોપમાં આવી ગયો છે. દરેકના હાથમાં પળવારમાં કન્ટેન્ટ બનાવવાની ફેક્ટરીઓ આવી ગઇ છે. પરિણામે, મૌલિક અને ઊંડાણપૂર્વકની કન્ટેન્ટ કરતાં અનેકગણી વધારે AI-નિર્મિત કન્ટેન્ટનું કીડિયારું ઊભરાયું છે. આવનારા સમયમાં આ પરિસ્થિતિ વધુ વિકટ બનશે એમાં કોઈ શંકા નથી.
આ બધાની સામે, આપણી પાસે સમય સીમિત માત્રામાં છે અને જીવનના પડકારો સતત વિકરાળ રૂપ લઈ રહ્યા છે. આવા સંજોગોમાં, આપણા સીમિત સમયનો મહત્તમ અસરકારક ઉપયોગ થાય એ અનિવાર્ય છે.
આ ધસમસતા પ્રવાહ વચ્ચે આટલું યાદ રાખો:
આજના યુગનું સાચું ચલણ રૂપિયા કે ડોલર નહીં, પણ તમારું ધ્યાન (Attention) છે. તમારી એકાગ્રતાને છીનવી લેવા માટે વિકલ્પોનો જે જળપ્રલય આવ્યો છે, તેની વચ્ચે રહીને જ તમારે તમારું ફોકસ જાળવી રાખવાનું છે. અગણિત વિકલ્પોના આ ઘોડાપૂરમાં તણાઈ જવું ખૂબ સહેલું છે, પણ એ પ્રવાહમાં વહેતાં જતાં અસ્તિત્વ ખોવાઈ જવાનો ભય પણ એટલો જ છે. નદીના પૂરમાં તણાતા તણખલાને કદાચ મફતમાં રોમાંચક રાઈડનો આનંદ મળતો હશે, પણ એની પાસે પોતાની મંઝિલ નક્કી કરવાની કે ત્યાં પહોંચવાની કોઈ સ્વતંત્રતા નથી હોતી. એણે તો બસ, પ્રવાહ જ્યાં લઈ જાય ત્યાં દિશાહીન ફંગોળાવાનું જ હોય છે.
આજે આપણી ચારેબાજુ વીડિયો, ઓડિયો, ઇમેજીસ અને ટેક્ષ્ટના રૂપમાં માનવ અને મશિન નિર્મિત કન્ટેન્ટનું ઘોડાપૂર આવ્યું છે. સાચું ડહાપણ એમાં છે કે આપણે તણખલું બનીને એમાં તણાવાને બદલે, એક કુશળ નાવિક બનીએ. જે પ્રવાહની વચ્ચે રહીને, પોતાને જે જોઈએ છે એટલું જ ગ્રહણ કરે, પોતાની નાવને યોગ્ય દિશામાં હંકારે અને બાકીના પ્રવાહને સાક્ષીભાવે જૂએ.
અને આ બધું કરવા માટે સૌથી પહેલી અને અનિવાર્ય શરત છે: તમારું ધ્યેય સ્પષ્ટ હોવું. જો માણસ પોતાની જિંદગીનો નાવિક બનીને એ નક્કી નહીં કરે કે એણે ક્યાં પહોંચવું છે, તો તણખલું બનીને અર્થહીનતાના અનંત મહાસાગરમાં ગરકાવ થઈ જવું નિશ્ચિત છે.
તો, તમારે તણખલું બનવું છે કે નાવિક?
