Close

તમે કેટલા જવાબદાર છો?

ગુજરાતી ડ્રામામાં અનેકવાર જોયું છે કે એમાંના પુરુષ પાત્રને સવારે કામ પર જતી વખતે એનું વોલેટ, મોબાઇલ, કાર કે બાઇકની ચાવી, બેલ્ટ કે શૂઝ વગેરે નથી મળતાં. આગલા દિવસે એણે એ બધું ક્યાંક આડુંઅવળું મૂકી દીધું હોય અને દરરોજ એની પત્ની એને આ બધું શોધી આપે.
ડ્રામામાં તો કોઇકે લખેલું હોય અને ડાયરેક્ટરે સમજાવ્યું હોય એવું બોલવાનું ને કરવાનું હોય,પણ જો વાસ્તવિક જીવનમાં આપણુ્ં આવું જ હોય, તો ચેતી જવાની તાતી જરૂર છે.
સાચા જીવનમાં જો આપણે આપણી જ વસ્તુઓ ગમે ત્યાં મૂકી દેતા હોઇએ અને બીજા દિવસે એને શોધવાના ધમપછાડા કરવા પડતા હોય, તો એવા લકઝરિયસ શોખ પાળવા જેવા નથી.
પોતાની વસ્તુઓ એમને ઠેકાણે નહીં રાખવાને બેદરકારી કહેવાય અને જીવનમાં આટલી જવાબદારી પણ આપણે જો ન નિભાવી શકતા હોઇએ, તો આપણે જીવનમાં બીજું શું કરી શકવાના એ મોટો સવાલ ઊભો થાય છે.
ચાવી, વોલેટ જેવી રોજિંદી વસ્તુઓ સાચવવા માટે પણ જો આપણે માણસો (કે બીજું કોઇક) રાખવા પડતા હોય, તો આપણે કોઇ ધંધો કે વ્યવસાય ચલાવી કે વિકસાવી શકવા સમર્થ છીએ ખરા?
મને તો નથી લાગતું.
મોટી મોટી વાતોમાં વ્યસ્ત રહેવાને કારણે આવી નાની નાની વસ્તુઓ આપણને યાદ નથી રહેતી એવા સોટ્ટા પાડવા માટે કે ડાયલોગ મારવા માટે આપણે આવા નાટક કરતા હોઇએ તો એ સમજવા જેવું છે કે સફળતા અને બેદરકારીને બનતું નથી. જવાબદાર રહીને બધું યોગ્ય રીતે રાખનાર અને કરનાર જ જીવનમાં કંઇક મહત્ત્વનું કરતા હોય છે.
અને આપણા જીવનના ડ્રામામાં નિર્માતા, દિગ્દર્શક, કલાકાર અને બીજું બધુંય આપણે પોતે જ હોઇએ છીએ. અને એ એક જવાબદારીનું કામ હોય છે. જો જીવનની જવાબદારી લેતાં શીખવું હોય, તો સવારના જે વસ્તુઓ જોઇએ એ અને બીજી વસ્તુઓ યાદ રાખવાની જવાબદારી ઉઠાવતાં પણ શીખી લો.

Leave a Reply