ધંધામાં સફળ થવા માટે માત્ર અમુક જબરદસ્ત આઇડિયા, પરફેક્ટ પ્લાનીંગ, મોટું વિઝન કે કોઇક વિષયમાં એક્ષ્પર્ટ હોવું એટલું પૂરતું નથી. એ બધું હોવા ઉપરાંત આપણા અહમને ક્યારે છોડી દેવો એ સમજણ પણ ધંધાની સફળતા માટે એટલી જ જરૂરી હોય છે.
મેં “ધંધાની વાત”માં પહેલાં પણ કહ્યું છે: તમે તમારા અહમ અને તમારા પરિવાર બંનેનું ભરણપોષણ કરી શકતા નથી. જો આપણે આપણી કારકીર્દિ અથવા ધંધામાં વિકાસ કરવા માગતા હોઇએ, તો આપણે આપણા અહમને નિયંત્રિત કરવાનું શીખવું જ પડે. જો આપણે એ એ ન કરીએ, તો આપણે ઘણો વ્યાવસાયિક સંઘર્ષ કરવો પડે છે, અને આખરે આપણા એ “અહમ-નિભાવ”ના ખર્ચની કિંમત આપણા પરિવારે ચૂકવવી પડતી હોય છે.
ધંધામાં અહમની વાસ્તવિકતા:
આ જ વાત તાજેતરમાં એક ખૂબ જ સફળ મહિલા ધંધાર્થી દ્વારા તેમના અનુભવો શેર કરતી વખતે સચોટ રીતે વ્યક્ત કરવામાં આવી હતી. શૂન્યમાંથી સર્જન કરવા માગતા દરેકને માટે જરૂરી બલિદાન અને નમ્રતાનું આબેહૂબ ચિત્ર એમના શબ્દોમાં રજૂ થાય છે:
તેમણે કહ્યું:
“ધંધો શરૂ કરતા પહેલા, અમે અમારી નોકરીઓમાં કામ કરતી વખતે એક સન્માનજનક જીવનશૈલી ધરાવતા હતા. પરંતુ જ્યારે અમે એ જોબ છોડીને પોતાની રીતે કંઇક ઊભું કરવાની શરૂઆત કરી, એના પહેલા દિવસથી જ વાસ્તવિક પડકારો શરૂ થઇ ગયા. શરૂઆતમાં, કોઈ અમારા પર વિશ્વાસ નહોતું કરતું. મોટાભાગના ધંધાર્થીઓની જેમ, અમારી પાસે પણ અમે શું બનાવવા માગીએ છીએ એનું એક વિઝન હતું, પરંતુ સપ્લાયરો, કસ્ટમરો, સંભવિત કર્મચારીઓ અને અન્ય લોકોને એ વિઝન સમજાતું નહોતું. તેઓ તો અમને અમારી ફેસ વેલ્યુના આધારે જ આંકતા. કોઇ અમને ગંભીરતાથી લેતું નહીં.”
તેમણે ઉમેર્યું:
“અમારે આ ધંધાને મજબૂત બનાવવા માટે સખત મહેનત કરવી પડી. કામ કરાવવા માટે લોકોને હાથ જોડીને વિનંતીઓ કરવી પડી. પાંચ મિનિટની મીટિંગ માટે અમે ચાર-પાંચ કલાકો સુધી લોકોની ઓફિસોની બહાર રાહ જોઈ. અમને વારંવાર અમારો અહમ ગળી જવો પડ્યો. ત્યારે મને સમજાયું કે જો તમે ધંધામાં સફળ થવા માગતા હો, તો તમારે તમારા અહમને ઘરે છોડી દેવો પડશે. ધંધાની કઠોર, વાસ્તવિક દુનિયામાં તમારા ઇગોની કોઇ વેલ્યુ નથી હોતી. ધંધામાં તો ફક્ત તમારી મક્કમતા, દ્રઢતા, નમ્રતા અને તમારા દ્વારા થતા મૂલ્ય નિર્માણની જ કિંમત હોય છે.”
ખરેખર, ધંધામાં અહમ માટે કોઈ સ્થાન નથી હોતું.
-સંજય શાહ
SME બિઝનેસ કોચ