સફળ ધંધાર્થીઓ ભૂખ્યા હોય છે. એમને સતત આગળ વધવાની ભૂખ હોય છે. એમની ભૂખ પોતાના ધંધામાં સતત સુધારો કરતા રહેવાની, કંઇકને કંઇક શીખતા રહેવાની હોય છે.
મેરીકો લિમિટેડના સ્થાપક અને ચેરમેન હર્ષ મરીવાલાને એમની કંપનીના શરૂઆતના દિવસો વિશે એક ઇન્ટરવ્યૂમાં વાત કરતા મેં સાંભળ્યા.
એ દિવસોમાં, કંપની રિટેલરોને પેરેશૂટ નારિયેળ તેલ જથ્થાબંધ પેકમાં વેચતી હતી. એ પછી રિટેલરોએ તેને છૂટક પેકમાં વેચતા. પેરેશૂટ તેલની સારી ગુણવત્તાને કારણે અન્ય હરીફોની સરખામણીમાં એ વધારે કિંમતે વેચાતું. તેથી, મેરીકોએ તેનું બ્રાન્ડીંગ કરવાનું નક્કી કર્યું. આજે તો પેરેશૂટ એક પ્રખ્યાત કન્ઝ્યુમર બ્રાન્ડ બની ગઇ છે. પરંતુ આ બધું શરૂ કેવી રીતે થયું?
હર્ષ મરીવાલાએ કહ્યું કે તેમની પાસે એમ.બી.એ.ની ડિગ્રી નથી. એ સમયે તેમને માર્કેટિંગ વિશે બહુ જ્ઞાન નહોતું. તેથી તેમણે એક માર્કેટિંગ કન્સલ્ટન્ટની મદદ લીધી. કન્સલ્ટન્ટ અમદાવાદમાં રહેતા હતા અને તેમણે કહ્યું કે દિવસ દરમિયાન તે પોતાની નિયમિત પ્રવૃત્તિમાં વ્યસ્ત હતા, એથી મરીવાલા સાહેબને માત્ર રાત્રે જ મળી શકે છે.
કંઇક જાણવા-શીખવા માટે આતુર મરીવાલા સાહેબે મુંબઈથી અમદાવાદની સાંજની ફ્લાઈટ પકડી. તેમણે રાત્રિ દરમિયાન કન્સલ્ટન્ટ સાથે તેમના માર્કેટિંગ મુદ્દાઓની ચર્ચા કરી, તેમની પાસેથી શીખ્યા અને સવારે મુંબઈ પાછા ફર્યા. આ સમયગાળા દરમિયાન તેમણે ઘણી વખત આવી રીતે મુંબઇથી અમદાવાદ સાંજથી સવારે અપ-ડાઉન કર્યું.
હર્ષ મરીવાલા કહે છે, “સતત સુધરવાની, સુધારવાની, બીજાંઓ પાસેથી કશુંક જાણવાની અને શીખવાની ભૂખે મારી સફરમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. અને આ રીતે હું નાનામાં નાના પગલાંથી શરૂઆત કરીને બધું શીખ્યો છું.”
અત્યંત સફળ ધંધાર્થીઓની સફળતાની ઘણી કહાનીઓમાં સતત શીખવું એ એક મહત્ત્વપૂર્ણ ભાગ હોય છે.
ધંધાના પરિબળો હંમેશા બદલાતા રહે છે. એમાં દરેક સમયે નવા નવા પડકારો આવતા રહે છે. આ પડકારોનો સતત સામનો કરવા માટે બિઝનેસ લીડરે પોતાની જાતને અપડેટ કરતાં રહેવું પડે છે. આજના સમયમાં, ધંધાની સફળતા માટે સતત શીખવાનો બીજો કોઇ વિકલ્પ નથી.