ગઇકાલે ઓટના સમયે બીચ પર ગયા ત્યારે દરિયાનું પાણી પાછળ જતું રહેલું. દરિયાની રેતી પર ચાલતાં જોયું કે મારા જેવા અનેકનાં પગલાંનાં નિશાન દરિયાની ભીની રેતી પર પડેલાં હતાં.
મધરાતની ભરતી પછી સુંદર, સ્વચ્છ અને સપાટ બનેલો દરિયાનો એ પટ મારા જેવા અનેક લોકોના ચાલવા-દોડવાથી, ક્રિકેટ કે બીજી કોઇ રમત રમવાથી રગદોળાઇ ગયો હતો. અનેક પ્રકારનાં નિશાનોએ એના પર છૂટુંછવાયું ચિતરામણ કરીને એની સુંદરતાને છિન્નભિન્ન કરી નાખી હતી.
આજે સવારે ફરી એ જ બીચ પર જતાં જોયું કે એના કિનારાના પટ પર ગઇકાલે જે અવનવું ચિતરામણ થયું હતું એ બધું દરિયાએ પોતાના મોજાંથી ધોઇ નાખીને બધુંય એકદમ સાફ-સૂથરું કરી નાખ્યું હતું. આજે એક નવું નક્કોર બીચ ફરીથી લોકોનાં ચાલવા, દોડવા, રમવાથી ચિતરાવા માટે તૈયાર થઇ ગયું હતું. ગઇકાલે લોકોએ એના પટને ખૂંદીખૂંદીને ખેદાનમેદાન કરી નાખ્યું હતું, એ બધુંય દરિયો સરળતાથી ભૂલી ગયો હતો.
આપણને પણ લોકો કંઇક કહી જાય, તો આપણે અપસેટ થઇ જઇએ છીએ. કોઇક આપણી સાથે કંઇક અણગમતું વર્તન કરે, તો આપણે ગુસ્સે થઇ જઇએ છીએ. કોઇક આપણી સાથે રમત રમી જાય, તો આપણે સમસમી જઇએ, પણ એને ભૂલી શકતા નથી. આવે વખતે સમય આવ્યે મોકો મળતાં જ કોઇકના બોલવા, વર્તવા, રમી જવાનો બદલો લેવાની આપણે જીવનભરની ગાંઠ વાળી લઇએ છીએ અને એ માટે એ બધુંય આપણે કડવાશથી યાદ રાખીએ છીએ. આવી બધીય સંઘરી રાખેલી કડવાશનું વજન આપણને હળવાશથી જીવવા દેતું નથી.
આપણે જો દરિયાની મોજથી જીવવું હોય, તો દરિયા પાસેથી પોતાના સ્મૃતિપટ પર પડેલી તમામ ગમતી-અણગમતી નિશાનીઓને વારંવાર ભૂંસી નાખતાં, લોકોએ અવિચારીપણે પોતાના પગ નીચે કચડેલી સ્વસ્થતાને ફરીથી સંકોરતાં, બધાંયનો નાનો-મોટો ત્રાસ ભૂલીને, બધાંને માફ કરીને ફરી નવી શરૂઆત કરતાં શીખી શકાય. જો દરિયો અમુક કલાકોમાં જ બધું ભૂલી જતો હોય, તો આપણે પણ દરિયાની સરળતા અપનાવીને આપણા મન પર પડેલા નાના મોટા ઉઝરડાંઓને તરત ભૂલી જઇને ફરીથી નોર્મલ ન થઇ શકીએ?
ચાલો, ગઇકાલે ગમે તે થયું હોય, બધું ભૂલીને, બધાંને માફ કરીને આજે ફરી ઉત્સાહથી છલકાતી એક નવી, મોજીલી દરિયાઇ શરૂઆત કરીએ.
-સંજય શાહ
SME બિઝનેસ કોચ