દુનિયાના કોઇ પણ ખૂણે આવેલા મેકડોનાલ્ડ્સના હજારો રેસ્ટોરન્ટ્સમાંથી તમે ગમે ત્યાં જાઓ, પણ એ દરેક જગ્યાએ મેકડોનાલ્ડ્સનું બર્ગર કે બીજી કોઇ વાનગી તમને એકસરખી જ મળશે. મેકડોનાલ્ડ્સની આ પ્રોમિસ છે. એમની કાર્યપદ્ધતિમાંની એકરૂપતાની એ સાબિતી છે. જે રીતે કૂકીઝ બનાવવાનાં બીબામાંથી એક જ પ્રકારના કૂકીઝ નીકળે એ જ રીતે મેકડોનાલ્ડ્સના કોઇ પણ રેસ્ટોરન્ટમાં કોઇ પણ ફરક વગર એક જ પ્રકારની વાનગીઓ નીકળતી રહે છે. મેકડોનાલ્ડ્સની વિશ્વ-પ્રસિદ્ધ સ્ટાન્ડર્ડ સિસ્ટમ્સ અને પ્રોસેસીસનું આ પરિણામ છે, જેમાં માનવીય ભૂલોના અવકાશને સંપૂર્ણપણે નાબૂદ કરીને એક મશિનની જેમ એક જ પ્રકારની વાનગી ચોક્કસ સમયમાં જ બની જાય એવી સચોટ ગોઠવણ કરવામાં આવે છે. એક ગ્રાહક તરીકે મેકડોનાલ્ડ્સમાં તમે અનુમાન કરી શકો છો કે તમને શું મળવાનું છે, કેટલા સમયમાં મળશે અને તેનો સ્વાદ કેવો હશે.
પરંતુ, ઘરગથ્થુ જમવાનું એવું નથી હોતું. ઘરના રસોડામાં જે કંઈ પણ બનાવવામાં આવે, એમાં દરેક વખતે સ્વાદમાં થોડીક વિવિધતા હોય જ છે. ક્યારેક કંઇક વધારે-ઓછું થઇ જ જાય. તેથી, ભલે તમારા રસોડામાં બનતી ઈડલી અથવા દાળનો સ્વાદ દરેક વખતે લગભગ પરફેક્ટ જ લાગે, પણ એ દરેક વખતે હંમેશા એનો ટેસ્ટ થોડો અલગ હોય જ છે. સ્વભાવગત માનવીય મૌલિકતાનું આ પરિણામ છે.
દરેક ધંધો ઘરગથ્થુ જમણ જેવો હોય છે. મેકડોનાલ્ડ્સનું કોઇ એક રેસ્ટોરન્ટ એના બીજા આઉટલેટ જેવું હોય જ પણ એક ધંધો અદ્દલ બીજા કોઇ ધંધા જેવો હોઈ શકે નહીં. એકસરખો માલસામાન વેચતા બે સ્ટોર્સ તમને બહારથી એકસરખા દેખાતા હોય તો પણ આંતરિક રીતે તેઓ એ બન્ને સ્ટોર્સ ચલાવતા લોકોના વ્યક્તિત્વ જેટલા જ ભિન્ન હોય છે. કોઈપણ પોડક્ટ કે સર્વિસ પૂરી પાડતા નાના-મોટા દરેક ધંધા માટે પણ આ એટલું જ સાચું છે. દરેક ધંધો પોતાની રીતે અનોખો હોય છે.
એટલે, બે કે વધારે ધંધાઓ ભલે એક જ ઇન્ડસ્ટ્રીમાં હોય, એક જ માર્કેટમાં પોતાનો સામાન વેચતા હોય, એમની પ્રોડક્ટ કે સર્વિસ એક જ પ્રકારની હોય અને તેઓ એક જ પ્રકારના ગ્રાહકોને ટાર્ગેટ કરતા હોય તો પણ એમાંનો દરેક ધંધો પોતાની રીતે યૂનિક હોય છે, અનન્ય હોય છે. અને તેથી, જે નિયમો એક ધંધાને લાગુ પડતા હોય, એ નિયમો એ જ રીતે બીજા ધંધાને લાગુ પાડી શકાતા નથી.
ધંધાની સફળતાનું કોઇ એક બીબું નથી હોતું, જે બધા ધંધાઓને લાગુ પડે. દરેક ધંધાની પોતાની આગવી ખામીઓ, ખાસિયતો અને ખૂબીઓ હોય છે. આ વૈવિધ્યને ધ્યાનમાં રાખીએ તો જ એને વ્યવસ્થિત રીતે ચલાવી કે વિકસાવી શકાય.
– સંજય શાહ
SME બિઝનેસ કોચ