Close
Sanjay Shah SME Business Coach Gujarati blog

કયા ધંધામાં કંઇ કર્યા વગર પૈસા કમાઇ શકાય?

ક્યારેક બહુ કામ કર્યા વગર તાત્કાલિક કમાણી થવા મંડે એવા ધંધાઓની પ્રપોઝલ આવતી હોય છે. એમાંય અમુક તો એવી પણ હોય છે, જેમાં ખાસ કંઇ કરવાનું જ ન હોય, છતાંય તમારી બેન્કમાં પૈસા આવતા રહેશે એવી લલચામણી ઓફર આપવામાં આવતી હોય છે. આવા, કંઇ કર્યા વગર તરત જ પૈસાદાર બનાવી દે એવા ધંધાઓની ઓફરો આવે, ત્યારે સાવચેત થઇ જવા જેવું હોય છે.
એક “બિઝનેસ”ની ઓફર જુઓ:
6000-7000 ના મેમ્બર બનો. તમને એ રૂપિયાની કિંમતની ગિફ્ટ મળી જશે એટલે તમારી મેમ્બરશીપ ફ્રીમાં જ મળી એમ કહેવાય. હવે પછી તમારા જેવા જ બે મેમ્બરો તમારી નીચે બનાવો. આ બે મેમ્બરોના જે રૂપિયા કંપનીને આવશે એમાંથી તમને અમુક રકમ મળશે. એ બે મેમ્બરો એમની નીચે જેટલા મેમ્બરો બનાવશે એમાંથી પણ અમુક રકમ તમને મળતી જશે. અને આ સિલસિલો ચાલતો રહેશે, તમારી નીચેની ચેનમાં મેમ્બરો બનતા રહેશે અને તમને એમની રકમ મળતી રહેશે. છેવટે એક એવો તબક્કો આવશે કે જ્યારે તમે કંઇ નહીં કરો તો પણ તમને દર મહિને બેન્કમાં અમુક લાખ રૂપિયાનો ચેક આવ્યા કરશે. તમારે પછી માત્ર લાઇફ એન્જોય કરવાની. આવી રીતે લાઇફ એન્જોય કરનારાઓનાં નામ અને ફોટાવાળા બ્રોશર પણ બતાવવામાં આવે.
આવાં સપનાંઓ અનેક વખતે અલગ અલગ રીતે આપણને બતાવવામાં આવ્યાં હોય છે અને આપણામાંથી અનેક એનો શિકાર પણ બન્યા હોય છે. 6000 રુપિયામાં આપણને 6000ની વસ્તુ પણ આપે અને પછી દરેક મેમ્બર ઉમેરાતી વખતે આપણને કમિશન પણ આપ્યા કરે…  આવું કેવી રીતે શક્ય બની શકે એનો વિચાર કર્યા વગર ઘણાંએ આવા “બિઝનેસ”માં પોતાની ઘણી એનર્જી નાખી છે. પોતાનાં અનેક મિત્રો-સગાંઓને પણ પોતાની જેમ જ છેતરાવા માટે કારણભૂત બન્યા છે અને ઘણાંય સાથેના સંબંધો પણ બગાડ્યા છે.
મહેનત વગર પૈસા કમાવવાની ઓફરનું આ એક ઉદાહરણ છે. વાસ્તવમાં આ કોઇ બિઝનેસ જ નથી, લોકોને કામે લગાડીને છેતરવાની આ એક સ્કીમ માત્ર જ છે,  પણ આવા અનેક ઉદાહરણો આવે છે. આવી ઓફર સાચી છે કે ખોટી એ કેવી રીતે જાણવું?
જ્યારે એવું કહેવામાં આવતું હોય કે તમને કંઇ પણ કર્યા વગર પૈસા મળતા રહેશે ત્યારે સાવચેત થઇ જવું. કારણ કે કંઇ પણ કર્યા વગર પૈસા ફીક્સ્ડ ડીપોઝીટ, મ્યુચ્યુઅલ ફંડ, શેરબજાર, સોનું-ચાંદી, રિઅલ એસ્ટેટ કે એવી કોઇક જગ્યાએ ક્યાંક રોકાણ કરવાથી મળી શકતા હશે, પરંતુ કંઇ કર્યા વગર કોઇ બિઝનેસમાં પૈસા કમાઇ શકાય એવી વાત કોઇ કરતું હોય, ત્યાં થોડું થોભી જવું અને આવા  “બિઝનેસ” વિશે પૂરતી ચોકસાઇ કરવાનું સલાહભર્યું છે.
-સંજય શાહ
SME બિઝનેસ કોચ

Leave a Reply