Close
Sanjay Shah SME Business Coach Gujarati Blog

આપણા ઓવરકોન્ફીડન્સને વિનમ્રતાની લગામ લગાવીએ

જીવનના અનેક તબક્કાઓમાં આપણને એવું લાગે છે કે હવે મને બધી ખબર પડી ગઇ છે. હવે હું જીવનની ગમે તેવી સમસ્યાઓનો સામનો કરવા સજ્જ છું. હવે કંઇ પણ થશે, તો આઇ કેન હેન્ડલ ઇટ.
સ્કૂલની કોઇ પરીક્ષા આપતી વખતે, કોઇક સ્પર્ધામાં ભાગ લેતી વખતે, કોઇક જોબ માટે (કે સંભવિત ભાવિ જીવનસાથી સાથે) ઇન્ટરવ્યૂ વખતે આપણે આત્મવિશ્વાસથી છલોછલ હોઇએ છીએ. સફળતા અને આપણી વચ્ચે હાથવેંતનું જ અંતર છે અને આપણે અબઘડી સફળતાને પામશું એવી ભરપૂર આશા હોય છે.
કોઇ નવો ધંધો શરૂ કરતી વખતે આપણા અત્યાર સુધીના ટ્રેક રેકોર્ડ પ્રમાણે સફળ થવું આપણને સ્વાભાવિક જ જણાય છે. કોઇ છોડમાંથી ફૂલ ચૂંટવા જતી વખતે એ ફૂલ મેળવવા અંગે  આપણને જે સાહજિક ભરોસો હોય, એવી સફળતાની ખાતરી સાથે આપણે એ ધંધામાં ઝંપલાવતા હોઇએ છીએ.
પણ આપણે જાતે એ અનુભવ્યું છે, અથવા તો કોઇક બીજાની જિંદગીનું અવલોકન કરતાં એ જોયું છે કે અનેકવાર આપણો (કે બીજા કોઇકનો) એ આત્મવિશ્વાસ ઊણો ઉતરે છે. જીવનની અમુક સમસ્યાઓ આપણને એ અહેસાસ કરાવે છે કે આપણો “પન્નો ટૂંકો પડે છે. વી કેનનોટ હેન્ડલ ઇટ.” જે પરીક્ષા કે સ્પર્ધામાં અવ્વલ આવવાનું આપણે ધારી લીધેલું એ ધારણા ખોટી પડે છે. જે ઇન્ટરવ્યૂમાં હકારાત્મક પ્રતિભાવ મળશે જ એવી આપણને આશા હોય છે, એમાં જાકારો આપણી આશાને ઠગારી સાબિત કરે છે. જે ધંધાને સફળ કરવાનાં સમીકરણો ગણિતના દાખલાનાં સમીકરણો જેવાં સરળ અને પરિચિત લાગતાં હતાં, આપણો એ ઓવરકોન્ફીડન્સ કડડભૂસ કરીને તૂટી જાય છે.
આવે દરેક વખતે આપણને નિષ્ફળતાનો કડવો સ્વાદ ચાખવા મળે છે. એ વખતે આપણને એ સમજાય છે કે જીવન ગણિત જેવું ચોક્કસ નથી. એક વત્તા એક એટલે બે જ થાય એવું જિંદગીનાં ગણિતમાં નિશ્ચિત નથી હોતું. અનેક વખતે, આપણી ગણતરીઓ ખોટી પણ પડી શકે.
આપણા આત્મવિશ્વાસની ઉપરવટ પણ કોઇ એક અદ્રશ્ય શક્તિ છે, જે બધું નિયંત્રિત કરતી રહે છે. એ શક્તિને અનેક નામોથી આપણે ઓળખી શકીએ. એનાં  નામ કરતાં વધારે મહત્ત્વનું એ છે કે આવો એક સુપરપાવર છે, અને એની મંજૂરી વગર કંઇ નથી થતું એ અહેસાસ આપણી અંદર સદાય જાગૃત રહેવો જોઇએ. આપણામાં આત્મવિશ્વાસ હોવો જોઇએ, પરંતુ આપણા ઓવરકોન્ફીડન્સને કોઇક અગમ્ય સુપરપાવરની બ્રેક લાગી શકે છે, આપણી તુમાખી ભોંયભેગી થઇ શકે છે એવી વિનમ્રતા આપણી અંદર વિકસવી જોઇએ.

Leave a Reply