Close

નસીબદાર લોકો કેમ નસીબદાર હોય છે?

જેમને આપણે નસીબદાર ગણતા હોઇએ છીએ, એમનો, નસીબ સાથેનો સંપર્ક ખૂબ ઘનિષ્ઠ હોય છે. એ લોકો આપણી જેમ જ સામાન્ય પ્રવૃત્તિઓ કરતા જણાય છે, પણ વાસ્તવમાં એ સામાન્ય વસ્તુઓ એ રીતે કરતા હોય છે, જેનાથી નસીબ સાથેનો એમનો સંબંધ વધારે ઘનિષ્ઠ બનતો જાય છે અને તેઓ વધારે નસીબદાર થતા જાય છે.
તેઓ ટી. વી. ની સામે મનોરંજન કાર્યક્રમો કે ન્યૂઝ ચેનલો પરની અર્થ વગરની, મગજની નસો તાણતી ચર્ચાઓ જોતાં કલાકો સુધી બેસી નથી રહેતા. ટી. વી. જુએ તો પણ કંઇક શીખવા મળે એવું જોઇને કે ટી. વી. બંધ કરીને બીજું કંઇક કામ કરીને એ વખતનો પ્રોડક્ટીવ ઉપયોગ કરે છે.
આ લોકો ફોન પર કોઇક સાથે ગઇકાલની મેચના એક એક છક્કા-ચોક્કા અને વિકેટનું પૃથક્કરણ કરીને રોહિત શર્મા, વિરાટ કોહલી કે બીજા કોઇ પ્લેયરે કેવી રીતે રમવું જોઇએ એના વિશે પોતાની એક્ષ્પર્ટ કોમેન્ટ્સ આપીને પોતાના મોબાઇલની અને પોતાનાં ભેજાંની બેટરી ડાઉન કરવાને બદલે પોતાની પર્સનાલિટીને રીચાર્જ કરવામાં લાગેલા હોય છે.
મોબાઇલ પર કે પીસી- લેપટોપ પર આજકાલની હોટ ઓનલાઇન ગેમમાં ઊંચો સ્કોર કરીને સ્ક્રીન પર નામ કમાવાને બદલે તેઓ ફિઝીકલી એક્ટિવ થઇને પોતાના શરીરને સાચી કસરત આપવાની તકલીફ આપતા હોય છે.
ઓનલાઇન લોટ્ટો, લોટરી, ફોરેક્ષ કે શેરબજારનું ટ્રેડીંગ, ક્રીપ્ટો કે એવો બીજો કોઇક શોર્ટકટ મારીને વગર મહેનતે પૈસા કમાઇને ધનવાન બની જવાની કોશિશોને બદલે એ લોકો કોઇ ખરેખરો કામ-ધંધો કરીને, કોઇ કંપની કે કસ્ટમરને ઉપયોગી થઇને એમાંથી પોતાની આવક કમાવા પર ધ્યાન આપે છે.
તેઓ વોટ્સએપ યુનિવર્સિટી પર મફત રેલાતી જ્ઞાનની ગંગામાં સ્નાન કરીને અસંખ્ય વિડિયો, સુવિચારો, જોક્સ કે વાઇરલ પોસ્ટ્સ “માણતાં” પવિત્રતા પામવાનું કે આ અચાનક, કોઇ પ્રયત્ન વગર મળેલું જ્ઞાન બીજાં અજ્ઞાનીઓમાં ફેલાવીને આ બધું ફોરવર્ડ કરીને આ જન્મમાં પુણ્ય કમાઇ લેવાનું કામ છોડીને કંઇક નક્કર કરવામાં વ્યસ્ત હોય છે.
ફેસબૂક કે ઇન્સ્ટાગ્રામમાં માર્ક ઝકરબર્ગની ટીમ અને એમની આર્ટીફીશીયલ ઇન્ટેલિજન્સની મશીનરીએ આપણી સોશિયલ મિડિયાની આદતો જાણીને આપણા માટે જે કસ્ટમાઇઝ્ડ ફીડ તૈયાર કરી છે, એમાં આપણી સામે આવતી પોસ્ટ્સને જોઇ-વાંચીને, લાઇક-કોમેન્ટ-શેર કરીને આપણા મોડર્ન સામાજિક હોવાની સાબિતી આપીને આપણા અને આપણા સર્કલના ઇગોને મ્યુચ્યુઅલ મસાજ કરવામાં આપણે વ્યસ્ત હોઇએ છીએ, ત્યારે એ લોકો કંઇક શીખી રહ્યા હોય છે અથવા તો કંઇક સર્જી રહ્યા હોય છે.
એમની આવી આદતોને કારણે જ તેઓ નસીબની નજરે વધારે ચડતા હોય છે, અને એટલે જ નસીબ એમની સમક્ષ અનેક પ્રકારની તકો લઇને આવે છે. એટલે જ અમુક લોકો નસીબદાર હોય છે.

Leave a Reply